ભારત બંધને કારણે 181 મેલ-એક્સપ્રેસ, 348 પેસેન્જર ટ્રેનો રદ

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાની સામે આજે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. યુવાનો દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને આસામમાં વિરોધ પ્રદર્શનો કરીને નારાજગી દર્શાવી રહ્યા છે.  ભારત બંધની ઘોષણાની વચ્ચે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. બિહારમાં રેલવેએ સોમવારે આશરે 350 ટ્રેનો નહીં ચલાવવાનો નિર્ણય લીધો હતો એ સાથે 20 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સોમવારે પણ બંધ રહેશે. આ ઉપરાંત ભારત બંધને કારણે 181 મેલ-એક્સપ્રેસ અને 348 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. ભારત બંધને કારણે કુલ પ્રભાવિત ટ્રેનોની સંખ્યા 539 થઈ ગઈ છે.

ભારત બંધને લીધે મહામાયાથી માંડીને નોએડા ગેટ સુધી લાંબો ટ્રાફિક જામ લાગેલો છે. આ સિવાય દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભીષણ જામ લાગેલો છે.

ભારત બંધને કારણે RPF અને GRPને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. RPFના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે હિંસા કરવાવાળા સામે સખતાઈથી કાર્યવાહી કરવામાં આવશે. નોએડામાં કલમ 144 લગાવવામાં આવી છે. ભારત બંધને કારણે યુપી સરકાર પણ અલર્ટ પર છે.

કેન્દ્રની અગ્નિપથ યોજનાની ભરતીય યોજનાના વિરોધમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ દિલ્હીના શિવાજી બ્રિજ રેલવે સ્ટેશન પર એક ટ્રેનને અટકાવી હતી. બીજી બાજુ, જંતર મંતર પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના CM અશોક ગેહલોત યોજના સામે ચાલી રહેલા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.