એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ

નવી દિલ્હીઃ જેમની પાસે કાયદેસર ટિકિટ હતી તેવા મુસાફરોને વિમાનમાં ચડવાનો ઈનકાર કરવા બદલ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાને કેન્દ્રીય સિવિલ એવિએશન નિયામક એજન્સી ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે.

ડીજીસીએ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એને માલુમ પડ્યું હતું કે ટિકિટ ખરીદનાર મુસાફરોને વિમાનમાં ચડવા દેવાનો ઈનકાર કરવા અને એમને કોઈ પ્રકારનું આર્થિક વળતર પણ ન ચૂકવવા વિશે એર ઈન્ડિયા એરલાઈને કોઈ નીતિ જ ઘડી નથી. રેગ્યૂલેટર ડીજીસીએ દ્વારા એક નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એરલાઈનને દંડ ફટકારવા ઉપરાંત એવી સલાહ પણ આપવામાં આવી છે કે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તે તાબડતોબ યંત્રણા લાગુ કરે અને જો તે એમ કરવામાં નિષ્ફળ જશે તો ડીજીસીએ એની સામે વધુ પગલું ભરશે.

ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયા સામેનું આ પગલું એવા અનેક અહેવાલો બાદ લેવામાં આવ્યું છે, જેમાં જણાવાયું હતું કે કાયદેસર ટિકિટ હોય અને સમયસર હાજર પણ થઈ ગયા હોય તે છતાં ઘણા મુસાફરોને અનેક એરલાઈન્સ વિમાનમાં ચડવાની ના પાડી દેતી હોય છે. ડીજીસીએના અમલદારોએ ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હીમાં શ્રેણીબદ્ધ ચેકિંગ કર્યું હતું.