PM મોદી 17-18 જૂને ગુજરાત મુલાકાતેઃ અનેક જાહેરાતોની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેથી રાજ્યમાં પકડ મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન મોદી 17 અને 18 જૂને ફરી એક વાર ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ રાજ્યની મુલાકાત વખતે અનેક લોભામણી જાહેરાત કરે એવી શક્યતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાજભવનમાં 17 જૂને રાત્રિરોકાણ કરશે અને 18 જૂને સવારે 9.15 કલાકે પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શને જશે. જે પછી 11.30 કલાકે તેઓ પાવાગઢની પાસે હેરિટેજ ફોરેસ્ટનું ભ્રમણ કરશે. એ બપોરે 12.30 કલાકે તેઓ ગુજરાત ગૌરવ અભિયાનમાં પણ સામેલ થસે અને જનતાને સંબોધિત કરશે.આ સાથે જ તેઓ બે દિવસમાં રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. પીએમ મોદી આદિજાતિ જિલ્લાના તાલુકા સુધી વ્યાપ વધારી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો માટે કુપોષણ યોજનાનું લોન્ચિંગ કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા જિતુભાઇ વાઘાણીએ યોજાયેલી કેબેનિટની બેઠકમાં રાજ્ય સરકારના નિર્ણયો અને વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાત વિશે જાણકારી આપી હતી.

વડા પ્રધાનના પ્રવાસને લઈને પાર્ટી જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. વડા પ્રધાન પ્રધાનમંત્રી યોજનાનાં 8907 ઘરોનું ઉદઘાટન કરશે. તેઓ વડોદરામાં ડાયનેમિક બિલ્ડિંગ અને વિવિધ રેલવેના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે. આ સિવાય તેઓ અમદાવાદ-બોટાદની વચ્ચે ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવશે.