રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસી નેતાઓનું વિરોધ પ્રદર્શન

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી ગુજરાત સહિત દેશમાં EDની ઓફિસની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પહેલા GMDC પહોંચ્યા હતા.

જોકે તેમને EDની ઓફિસ સુધી આગેકૂચ કરવાની મંજૂરી નહોતી આપવામાં આવી, જેથી તેઓ કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા EDની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે પરિસ્થિતિ કાબૂ બહાર જતા સ્થાનિક પોલીસે મનીષ દોશી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ અધિકારીઓને ધમકી આપતાં જણાવ્યું હતું કે  ભાજપના રાજકીય એજન્ડા પુરા કરવા અધિકારીઓ હાથા ના બને, અધિકારીઓ કોંગ્રેસના નેતા-કાર્યકરોને ખોટી રીતે કનડવાનું બંધ કરે. પ્રદેશાધ્યક્ષ જગદીઠ ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર ધારાસભ્યો ઉપર ખોટા કેસો કરે છે.

ઠાકોર, ધારાસભ્ય અંબરિશ ડેર, વાવના ધારસભ્ય ગેની બેન, પુંજા બાઈ વંશ અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિતના નેતાઓ હાજર છે.