ફાતિમા કરે છે ઈન્દિરા ગાંધીનાં જીવનની-ઘટનાઓનો અભ્યાસ

મુંબઈઃ ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ફાતિમા સના શેખ આગામી હિન્દી ફિલ્મ ‘સેમ બહાદુર’માં ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. ‘સેમ બહાદુર’ ફિલ્મ ફિલ્ડ માર્શલ જનરલ સેમ માણેકશાના જીવન પર આધારિત છે. એનું દિગ્દર્શન કરી રહ્યાં છે મેઘના ગુલઝાર જ્યારે નિર્માતા છે રોની સ્ક્રૂવાલા.

પાત્રને ન્યાય આપવા માટે ફાતિમા ઈન્દિરાજીનાં જૂનાં ઈન્ટરવ્યૂની ટેપ જોઈ રહી છે અને એમનાં જીવનની ઘટનાઓ વિશે વાંચન કરી રહી છે, એમનાં વ્યક્તિત્વનો અભ્યાસ કરી રહી છે. ફિલ્મમાં વિકી કૌશલ બન્યો છે સેમ માણેકશા. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ભારતીય સેનાના વડા સેમ માણેકશા હતા.