ડ્રગ્સ કેસઃ સિદ્ધાંત કપૂરનો જામીન પર છૂટકારો

બેંગલુરુઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ અને ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લેવાના ગુનાસર પકડાયા બાદ બેંગલુરુ પોલીસે એને જામીન પર છોડ્યો છે. સિદ્ધાંતના મેડિકલ રિપોર્ટ્સમાં સમર્થન મળ્યું હતું કે એણે કેફી દ્રવ્ય લીધું હતું. સિદ્ધાંતની સાથે અન્ય ચાર જણને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એમને પણ જામીન પર છોડવામાં આવ્યા છે.

સિદ્ધાંત અને બીજા ચારેય જણને જણાવી દેવામાં આવ્યું છે કે પોલીસ જ્યારે પણ બોલાવે ત્યારે એમણે હાજર થઈ જવું, એમ ઈસ્ટ બેંગલુરુના નાયબ પોલીસ કમિશનર ભીમાશંકર ગુલેદે કહ્યું છે. સિદ્ધાંતે ગયા રવિવારની રાતે બેંગલુરુમાં એક પાર્ટીમાં ડ્રગ્સ લીધા બાદ સોમવારે પોલીસે એની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે બેંગલુરુના એમ.જી. રોડ પરની એક હોટેલમાં રેવ પાર્ટી ચાલી રહી છે અને ત્યાં કેટલાક લોકોએ ડ્રગ્સ લીધું છે. પોલીસ ટૂકડીએ ત્યાં દરોડો પાડ્યો હતો અને 35 જણને અટકાયતમાં લીધા હતા. અમને કોઈની પાસેથી વ્યક્તિગત રીતે ડ્રગ્સ મળ્યું નહોતું, પરંતુ નજીકની જ જગ્યાએ MDMA માદક દ્રવ્ય અને ગાંજો નિકાલ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. એનો નિકાલ કોણે કર્યો એ જાણવા માટે પોલીસ સીસીટીવી દ્વારા તપાસ કરાવશે.