નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ઘરેલુ સ્થિર માગને કારણે દેશનું અર્થતંત્ર 6.4 ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં 2024-25માં 6.7 ટકાના દરે વધશે, એમ એશિયન બેન્કનું આંકલન છે. એપ્રિલમાં ADBએ અંદાજ લગાવ્યો હતો કે આકરી નાણાકીય સ્થિતિઓ અને ક્રૂડની ઊંચી કિંમતોને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસદર ઘટીને 6.4 ટકા રહેવાની અપેક્ષા છે. પાછલા નાણાકીય વર્ષ 2022-23માં અર્થતંત્રનો 7.2 ટકાના દરે વિકાસ થયો હતો.
ADBએ કહ્યું હતું કે એશિયાના દેશોમાં મોંઘવારીની ઝડપમાં આગળ પણ ઘટવાતરફી રહેવાના અણસાર છે. રિપોર્ટ મુજબ ઓઇલ અને ખાદ્ય પદાર્થોમાં કિંમતો ઘટી રહી છે, જેને પગલે મોંઘવારી દર કોરોના પહેલાંના સ્તરે પહોંચવાની વકી છે. આ વર્ષે એશિયામાં ઊભરતા દેશોમાં 3.6 ટકાના દરે મોંઘવારી વધે એવી શક્યતા છે અને આગામી વર્ષે 3.4 ટકાના દરથી વધશે.
ADBના મુખ્ય અર્થશાસ્ત્રી આલ્બર્ટ પાર્કના જણાવ્યા મુજબ એશિયા અને પેસેફિક સતત સ્થિર ચાલથી રોગચાળામાંથી બહાર આવી રહ્યા છે. ઘરેલુ માગ અને સર્વિસ સેક્ટરનાં કામકાજ વિકાસને વેગ આપી રહ્યાં છે, જ્યારે અનેક દેશોને પર્યટનમાં મજબૂત સુધારાથી પણ લાભ મળી રહ્યો છે. ઓદ્યૌગિક કામકાજ અને નિકાસ ધીમી પડી છે અને આગામી વર્ષે વૈશ્વિક વિકાસ અને માગને લઈને સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે.બેન્કે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં ગ્રામીણ અને શહેરી ઉપભોક્તા માગમાં સુધારાની અપેક્ષા છે. ઉપભોક્તા વિશ્વાસ, શહેરી બેરોજગારી તથા ઓટોમોબાઇલના વેચાણના આંકડાથી આ સંકેત મળી રહ્યા છે.