મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી પર નિયમન લાવવાની વાતો હવે જોર પકડી રહી હોવાથી માર્કેટમાં હાલ થોડું ઢીલું વાતાવરણ ચાલી રહ્યું છે. આવામાં ગુરુવારે બિટકોઇન 44,000 ડોલરની નીચે ટ્રેડ થયો હતો.
નાણાકીય ક્ષેત્રના એક કરતાં વધુ વૈશ્વિક નિયમનકારોએ આ ડિજિટલ એસેટને લીધે વિશ્વની નાણાકીય સ્થિરતા સામે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરી છે. તાજેતરમાં જી-20 સમૂહના દેશોની જોખમ સંબંધે દેખરેખ રાખનારી સંસ્થા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જોખમો અચાનક વધી જવાની શક્યતા હોવાથી નિયમનકારોએ તેને કાબૂમાં રાખવા માટેનાં પગલાં લેવાં આવશ્યક છે. એની પહેલાં ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ પણ અનેક વખત આવી ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે.
દરમિયાન, કોલોરાડોએ કરવેરાની ચૂકવણી માટે ક્રીપ્ટોનો સ્વીકાર કરવાની જાહેરાત કરી છે. એ જ રીતે હોલીવૂડના સ્ટાર રયાન રેનોલ્ડ્સે ક્રીપ્ટોકરન્સીનું ભાવિ તેજીમય હોવાની આશા વ્યક્ત કરી છે.
સૌથી વધુ પ્રચલિત ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ ગુરુવાર સાંજ સુધીના ચોવીસ કલાકના ગાળામાં લગભગ 2 ટકા ઘટીને 43,259 ડોલરની આસપાસ થયો હતો. ઈથેરિયમમાં 2.7 ટકાના ઘટાડા સાથે 3,059 ડોલરનો ભાવ હતો.
ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.76 ટકા (1,127 પોઇન્ટ) ઘટીને 62,841 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 63,968 ખૂલીને 64,636 સુધી ઉંચે અને 62,596 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
63,968પોઇન્ટ | 64,636 પોઇન્ટ | 62,596 પોઇન્ટ | 62,841
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 17-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |