ભારતીય રેલવે હવે માલસામાનની હોમ ડિલિવરી કરશે

નવી દિલ્હીઃ રેલવે સમયની સાથે એની સર્વિસિસમાં ફેરફાર કરી રહી છે. હવે રેલવે માત્ર યાત્રા અને માલસામાનનું જ વહન નથી કરતી, પણ હવે રેલવે નવી-નવી કેટલાય પ્રકારની સર્વિસ શરૂ કરી રહી છે, જેનાથી લોકોને વધુ સુવિધા મળી શકે. રેલવે હવે લોકોના માલસામાનની હોમ ડિલિવરી કરશે. આ ડોર-ટુ-ડોર સર્વિચને શરૂ કરવા માટે રેલવે પોસ્ટ ઓફિસ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને પણ સર્વિસમાં સામેલ કરવાની તૈયારીમાં છે.

રેલવેની આ સર્વિસ લોકો સુધી પહોંચાડવા માટે એક મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવશે. તમે મોબાઇલ એપ દ્વારા પાર્સલ ડિલિવરીના ઓર્ડરની માહિતી મેળવી શકશો. એ પછી તમારે એ પાર્સલની ચુકવણી કરવાની રહેશે. જે પછી માલસામાનની ડિલિવરી જેતે જગ્યાએ થઈ જશે. જોકે આ સુવિધા રેલવે હાલ એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી રહી છે. જેની સફળતા મળ્યા પછી એનો વ્યાપ વધારવામાં આવશે.

જોકે મિડિયા અહેવાલો મુજબ રેલવેએ આ પ્રોજેક્ટ શરૂ પણ કરી દીધો છે. હાલ આ દેશના કેટલાક ભાગોમાં અપડેટ કરવામાં આવી રહ્યો છે. હાલમાં દિલ્હી,NCR અને ગુજરાતના સાણંદ અને મુંબઈની વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વિસ માટે રેલવે બહુ જલદી એક એપ લોન્ચ કરશે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ આ ડોર-ટુ-ડોર સર્વિસનો લાભ ઉઠાવી શકશે.

આ સાથે નવી સર્વિસથી રેલવેની કમાણી પણ વધશે. રેલવેની કમાણીને વધારવા માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે.  રેલવે આ સર્વિસ લોકો સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની મદદ લેશે.સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ મોબાઇલ એપ દ્વારા એના માલસામાનનું બુકિંગ કરશે, એ પછી રેલવે પોસ્ટ સર્વિસની મદદથી એ સામાનને જેતે જગ્યાએ પહોંચાડાશે.