શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે કશ્મીર ખીણપ્રદેશમાં પર્યટન ઉદ્યોગ માટે હાલ સુવર્ણ સમયગાળો ચાલી રહ્યો છે. છેલ્લા અમુક મહિનાઓમાં જ 80 લાખ જેટલા પર્યટકો કશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે. છેલ્લા 20 વર્ષનો વિક્રમ તૂટી ગયો છે.
વિમાન સેવાઓએ પણ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે તમામ હોટેલો એડવાન્સમાં બૂક થઈ ગઈ છે અને દેશના બીજા રાજ્યોનાં લોકોને શ્રીનગર માટે વિમાન પ્રવાસની ટિકિટ મેળવવામાં તકલીફ થાય છે. દાલ લેકમાં દરરોજ સરેરાશ 3,500 શિકારાની લાઈન લાગે છે. સરકાર દાલ સરોવરને સ્વચ્છ કરવાનું કામ ઝડપી ગતિએ ચલાવશે.