નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના GDPમાં 7.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ ઘટાડો 23.9 ટકા હતો, જે છેલ્લાં 40 વર્ષમાં સૌથી વધુ હતો. દેશમાં GDPમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઘટાડો આવવાથી દેશ ટેક્નિકલ રિસેશનના દોરમાં ચાલી ગયો છે. જોકે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDPમાં 8.9 ટકાના ઘટાડાનો અંદાજ હતો. જોકે GDPના આંકડા અર્થતંત્રની હાલની સ્થિતિ કોવિડની પ્રતિકૂળ અસર બતાવે છે, એમ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણિયને કહ્યું હતું.
GDPમાં Q1માં આવેલા નોંધપાત્ર ઘટાડાનું મુખ્ય કારણ કોરોના રોગચાળાને કારણે દેશમાં લગાવવામાં આવેલું લોકડાઉન હતું. લોકડાઉન ખૂલ્યા પછી આર્થિક કામગીરીએ ધીમે-ધીમે ઝડપ પકડી હતી. રિઝર્વ બેન્ક પણ અહેવાલમાં કહી ચૂકી છે કે પહેલી વાર અર્થતંત્રમાં સતત બે ત્રિમાસિકમાં GDPમાં ઘટાડાને કારણે ટેક્નિકલ રિસેશન આવ્યું છે.
GVAમાં સાત ટકાનો ઘટાડો
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 33.14 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. આનાથી ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 35.84 લાખ કરોડ હતી. આ રીતે ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની તુલનાએ GDPમાં 7.5 ટકા ઘટી છે. બીજા ત્રિમાસિકમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) રૂ. 30.49 લાખ કરોડ રહેવાનું અનુમાન છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં એ 32.78 લાખ કરોડ હતી.
સતત બે ત્રિમાસિક સુધી જીડીપી વધવાને બદલે ઘટતો રહે તો કબૂલ કરવું પડે કે દેશ આર્થિક મંદીની ઝપટમાં છે. આમ ભારતીય અર્થતંત્ર પણ હાલ મંદીના દોરમાં છે. જોકે કોરોના વાઇરસની અસરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું છે. આવનારા ત્રિમાસિક ગાળામાં સ્થિતિ વધુ સુધર એવી આશા છે. આ પ્રકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં GDPમાં ગ્રોથ સકારાત્મક રહે એવી આશા છે.