59% ભારતીય નોકરીદાતાઓ કોરોના-બાદ રિમોટ-વર્કિંગ બંધ કરશે

મુંબઈઃ એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં 67 ટકા મોટા કદની અને 70 ટકા મધ્યમ કદની કંપનીઓ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવા બાદ કર્મચારીઓ માટે શરૂ કરાયેલી રિમોટ-વર્કિંગ વ્યવસ્થા કાયમ માટે ચાલુ રાખવામાં આવે એની તરફેણ કરતી નથી. વિશ્વસ્તરે આ આંકડો અનુક્રમે 60 ટકા અને 34 ટકા છે.

કોરોના રોગચાળાએ વર્ક-ફ્રોમ-ઓફિસ વ્યવસ્થાને ખોરવી નાખી છે. નોકરી મેળવવામાં મદદ કરતી વેબસાઈટ Indeed દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં 59 ટકા માલિક-નોકરીદાતાઓ રિમોટ-વર્કિંગ વ્યવસ્થાની તરફેણ કરતા નથી. ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ રહેવામાં માનતી સ્ટાર્ટઅપ કંપનીઓએ પણ કહ્યું છે કે રોગચાળાનો અંત આવી જશે તે પછી તેઓ ફરી ઈન-ઓફિસ વ્યવસ્થા અપનાવશે. 90 ટકા લોકોનું કહેવું છે કે રોગચાળાનો ઉકેલ આવી જાય એ પછી તેઓ રિમોટ-વર્કિંગ ચાલુ નહીં રાખે. સર્વેક્ષણમાં સામેલ કરાયેલા 45 ટકા કર્મચારીઓ પણ માને છે કે વર્ક-ફ્રોમ-હોમ વ્યવસ્થા કામચલાઉ છે. 50 ટકા કર્મચારીઓનું કહેવું છે કે કંપની કહેશે તો તેઓ એમના વતનમાંથી ફરી મહાનગર-શહેરમાં શિફ્ટ થઈ જવા તૈયાર છે, જ્યાં એમની ઓફિસ આવેલી છે.

(Image courtesy: Wikimedia Commons)