નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ ફૂડ ડિલવરી એપ સ્વિગી-ઝોમેટોને હાલમાં રૂ. 500 કરોડની GSTની નોટિસ મળી છે. સ્વિગી અને ઝોમેટો ગ્રાહકો પાસેથી ડિલિવરી ફીને નામે કેટલાક પૈસા વસૂલે છે. હવે આ પૈસાને લઈને ટેક્સ અધિકારી અને ફૂડ ડિલિવરી એપની વચ્ચે ખેંચતાણ છે. આ ડિલિવરી ફીસને મામલે આશરે રૂ. 1000 કરોડ દાવ પર છે.
ફૂડ-એગ્રીગેટર્સ ઝોમેટો અને સ્વિગીનું કહેવું છે કે ડિલિવરી ચાર્જ કંઈ બીજું નહીં ડિલિવરી પાર્ટનર્સ દ્વારા વહન કરવામાં આવતો ખર્ચ છે. જે ઘેરેઘેર ખાવાનું ડિલિવરી કરવા માટે જાય છે. કંપનીઓ બસ ગ્રાહકો પાસેથી એ ખર્ચ વસૂલે છે અને ડિલિવરી પાર્ટર્નસને ચૂકવે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ટેક્સ અધિકારીઓ આ વાત સહમત નથી આ મામલે દાવ પર આશરે રૂ. 1000 કરોડ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઝોમેટો અને સ્વિગીને GST અધિકારીઓ પાસેથી રૂ. 500-500 કરોડની નોટિસ મળી છે. ટેક્સ અધિકારીઓને લાગે છે કે સ્વિગી- ઝોમેટો આ ડિલિવરી ફીને જમા કરે છે અને રેવેન્યુ જનરેટ કરે છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને મુખ્ય ખેલાડીઓને-પ્રત્યેકને રૂ. 500 કરોડની ચુકવણી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જે ઝોમેટો અને સ્વિગી દ્વારા ડિલિવરી શૂલ્ક તરીકે એકત્ર કરવામાં આવેલા જમા રાશિ પર લગાવવામાં આવ્યો 18 ટકા ટેક્સ છે. જ્યારથી તેમણે ગ્રાહકોને ફૂડ ડિલિવરીની રજૂઆત કરી હતી. આ મામલે બંને કંપનીઓએ કરેલા ઇમેઇલનો કોઈ જવાબ નહોતો આપ્યો.