મુંબઈઃ દેશમાં કોરોનાવાઈરસની બીજી લહેરને કારણે રોગીઓની સંખ્યા ખૂબ વધી જતાં અને તેની સામે હોસ્પિટલોમાં પથારીઓ તથા ઓક્સિજનની અછત સર્જાતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ પરિસ્થિતિમાં સરકારો અને આમજનતાને મદદરૂપ થવા માટે ભારતીય રેલવે તંત્ર આગળ આવ્યું છે. તેણે રાજ્યોને હાલ 169 કોવિડ કેર કોચીસ સુપરત કર્યા છે, જેમાં આશરે 2,700 જેટલા બેડ ઉપલબ્ધ છે. રેલવેએ રાજ્યોના ઉપયોગ માટે આવા 4,000થી વધારે કોવિડ કેર કોચીસ બનાવ્યા છે અને તે સાથે લગભગ 64,000 બેડ પણ મળશે.
ભારતીય રેલવે ઓક્સિજન એક્સપ્રેસના માધ્યમથી ઓક્સિજન વાયુનો પુરવઠો પહોંચાડી રહી છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રવાહી મેડિકલ ઓક્સિજન પહોંચાડીને કોરોના સામેના જંગમાં ભારતીય રેલવેતંત્ર પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. આવા કોવિડ કેર કોચમાં આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જે દ્વારા કોરોના-દર્દીઓના ઉપચારમાં સહાયતા પૂરી પાડવામાં આવે છે. રેલવેને મુખ્યત્વે મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્ય પ્રદેશ રાજ્યો તરફથી કોવિડ કેર કોચીસ પૂરા પાડવાની વિનંતી મળી હતી. રેલવે હાલ 9 રેલવે સ્ટેશનો ખાતે 2,670 કોવિડ કેર બેડની વ્યવસ્થા કરી છે. 11 કોચની આખી કોવિડ કેર ટ્રેન પણ ફાળવી છે. દરેક કોચમાં સુધારિત સ્લીપર બેઠક હોય છે જેમાં 16 કોરોના દર્દીઓને સમાવી શકાય. દરેક કોચને ઓક્સિજન સિલીન્ડર સહિત તમામ જરૂરી મેડિકલ સગવડ સાથે સજ્જ બનાવવામાં આવ્યા છે.