અમદાવાદ– શેરબજારમાં આજે તોફાની તેજી થઈ છે. લોકસભા ચૂંટણીના તમામ એજન્સીના સર્વે પ્રમાણેના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, જે સમાચારથી આજે શેરબજાર ઝૂમી ઉઠયું છે. અને તેમાંય ખાસ કરીને અદાણી અને અંબાણી ગ્રુપના શેરોના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 10 વર્ષ પછી પહેલી વાર રેકોર્ડબ્રેક 1421.90(3.75 ટકા)નો ઉછાળો આવ્યો હતો, અને સેન્સેક્સ 39,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 39,352.67 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 421.10(3.69 ટકા) ઉછળી 11,828.25 બંધ થયો હતો.એક્ઝિટ પૉલ પછી શેરબજારમાં ઑલરાઉન્ડ ખરીદી નીકળી હતી. સવારે જ માર્કેટ ભારે ઉછાળા સાથે ઓપન થયું હતું. એક્ઝિટ પૉલ પહેલાં માર્કેટમાં એકતરફી નરમાઈનો દોર હતો. અને બજાર ઓવરસોલ્ડ ઝોનમાં હતું. પણ એક્ઝિટ પૉલ પછી આજે મંદીવાળા ખેલાડીઓનું ભારે શોર્ટ કવરિંગ આવ્યું હતું, પરિણામે શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો હતો. જો કે કેટલાક એનાલિસ્ટોના કહેવા પ્રમાણે એનડીએને 300 પ્લસ બેઠકો મળશે, જે ધારણાએ તેજીવાળા ઓપરેટરોએ નવેસરથી લેવાલી કાઢી હતી. અને માર્કેટમાં આજે ફરીથી નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ઈન્ડુસઈન્ડ બેંક 8.64 ટકા, એસબીઆઈ(8.04 ટકા), તાતા મોટર્સ(7.53 ટકા), યસ બેંક(6.73 ટકા) અને લાર્સન ટુબ્રો(6.55 ટકા)નો ઉછાળો નોંધાયો હતો.
અદાણી પોર્ટ 8.99 ટકાના ઉછાળા સાથે ભાવ રૂપિયા 400.10 બંધ રહ્યો હતો. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.59.80(4.72 ટકા) ઉછળી રૂ. 1325.50 બંધ થયો હતો.માર્કેટ સવારે જ્યારે ખુલ્યું ત્યારે ભારે ઉછાળા સાથે ખુલ્યું હતું. સવારે 60 સેકન્ડમાં જ શેરબજારના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3.18 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. એટલે કે રોકાણકારોની મૂડીમાં આટલો જંગી વધારો થયો હતો. એફઆઈઆઈએ આજે 1735 કરોડ રૂપિયાની ખરીદી કરી હોવાના સમાચાર આવ્યાં હતાં. વિદેશી સ્ટોક માર્કેટ નરમ હોવા છતાં પણ ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો હતો