નવી દિલ્હીઃ એપ્રિલથી અત્યાર સુધી દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે 1.89 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જેમાં આશરે 50 લાખ લોકોની નોકરીઓ ગયા મહિને ગઈ છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા જણાવે છે.
ડેટા મુજબ જુલાઈ મહિનામાં આશરે 50 લાખ નોકરી ગયા પછી લગભગ 39 લોકોને જૂનમાં મળી હતી. એપ્રિલમાં 1.77 કરોડ લોકોની નોકરીઓ ગઈ હતી. ત્યાર બાદ મે મહિનામાં એક લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી. એક વાર નોકરીઓ જાય એ પછી કોઈ પણ કર્મચારીને સહેલાઈથી નોકરી નથી મળતી અથવા નોકરી મળવી મુશ્કેલ બને છે. આ સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, એમ CMIEના CEO મહેશ વ્યાસે કહ્યું હતું. આમેય સરેરાશ નોકરીઓ આશરે 190 લાખ (1.90 કરોડ) નોકરીઓ વર્ષ 2019-20માં ઓછી હતી. પાછલા નાણાકીય વર્ષની તુલનાએ નોકરીઓમાં 22 ટકાનો ઘટાડો થયો હતો.
CMIEના તાજા આંકડાથી એ માલૂમ પડે છે કે આ સમયગાળા દરમ્યાન આશરે 68 લાખ દૈનિક વેતન કમાતા લોકોએ નોકરીઓ ગુમાવી હતી. જોકે આશરે 1.49 કરોડ લોકો ખેતી ક્ષેત્ર તરફ વળ્યા હતા.લોકડાઉનની જાહેરાતને પગલે સમગ્ર ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મુકાવા માંડ્યો હતો અને પગારકાપ સાથે લીવ વિધાઉટ પે પણ થવા માંડ્યો હતો.
ઔદ્યોગિક સંસ્થાઓએ અને કેટલાય અર્થશાસ્ત્રીઓએ કોરોના વાઇરસ રોગચાળા દરમ્યાન મોટા પાયે નોકરીઓમાં કાપથી બચવા ઉદ્યોગોને સરકારી મદદ કરવા આહવાન કર્યું હતું.