રિલાયન્સ રિટેલે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કંપનીનાં ડિરેક્ટર ઇશા અંબાણીએ કહ્યું હતું કે બધાને ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સ મોટા ફાર્માસિસ્ટોને સાંકળે છે અને ગ્રાહકોને દવાઓની ડોર સ્ટેપ ડિલિવરી પણ કરે છે. આ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉનમાં તત્કાળ સોદો કરવાવાળી કંપની બની ગઈ છે.

વિટાલિક હેલ્થ અને તેની સબસિડિયરીઓ સામૂહિક રીતે નેટમેડ્સના રૂપે જાણીતી છે.  રિલાયન્સ રિટેલે નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ વિટાલિક હેલ્થ પ્રા. લિ.ના ઇક્વિટી શેર કેપિટલમાં 60 ટકા હોલ્ડિંગની સાથે એની સબસિડિયરી કંપની ટ્રિસારા, નેટમેડ્સ અને દાધા ફાર્માની 100 ટકા ડિરેક્ટર ઇક્વિટી ઓનરશિપ ખરીદી લીધી છે.

આ મૂડીરોકાણ થકી દેશમાં દરેક જણ પાસે ડિજિટલ માધ્યમથી અમે દવા પહોંચાડી શકીશું. નેટમેડ્સ અમારી સાથે જોડાવાથી રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા અને એફોર્ડેબલ હેલ્થકેર પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા વધારો થયો છે અને ગ્રાહકોને દૈનિક જરૂરી ચીજવસ્તુઓને પૂરી પાડવામાં મદદ મળી રહેશે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં ડિરેક્ટર ઇશા અંબાણી કહ્યું હતું.  

નેટમેડ્સના સંસ્થાપક અને CEO પ્રદીપ દાધા ( નેટમેડ્સ માર્કેટપ્લેસ)નું કહેવું છે કે રિલાયન્સની ડિજિટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત શક્તિની સાથે અમે વધુ ગ્રાહકોની વચ્ચે અમારી સપ્લાય ચેઇનને મજબૂત કરવા સક્ષમ થઈશું. આ કરાર પછી અમે અમારી સર્વિસ વધુ સારી રીતે આપી શકીશું, એમ તેમણે કહ્યું હતું.

2015માં વિટાલિક અને એની સબસિડિયરી કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રિબ્યુશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસિસના વેપારમાં છે. એની સબસિડિયરી કંપની ગ્રાહકોને ફાર્માસિસ્ટોથી જોડવા અને દવાઓ, ન્યુટ્રિશિનલ હેલ્થ અને વેલનેસ ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે એક ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સ પૂરું પાડે છે.

નેટમેડ્સ માટે રિલાયન્સ પરિવારમાં સામેલ થવું અને પ્રત્યેક ભારતીય માટે ગુણવત્તાયુક્ત આરોગ્યની દેખભાળ સસ્તી અને સુલભ બનાવવા માટે એકસાથે કામ કરવા માટે આનંદની ક્ષણ છે, એમ CEO પ્રદીપ દાધાએ જણાવ્યું હતું.