શેરબજારમાં તેજીની હેટટ્રિકઃ સેન્સેક્સ અને નિફ્ટી છ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે તેજીની હેટટ્રિક થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાની ઊંચાઈએ બંધ રહ્યા હતા. 27 ફેબ્રુઆરી પછી પહેલી વાર નિફ્ટી 11,400ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટ વધીને 38,615ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટ વધીને 11,408 પર બંધ થયો હતો. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.  

ઓગસ્ટમાં નિફ્ટી પાંચ ટકા વધ્યો

ઓગસ્ટમાં નિફ્ટી અત્યાર સુધી પાંચ ટકા વધ્યો હતો. મિડકેપમાં પણ લાલચોળ તેજી થઈ રહી છે. મિડકેપ ઇન્ડેક્સ 8.75 ટકા તેજી થઈ છે. સ્મોલકેપમાં પણ તેજી થઈ હતી.

રિલાયન્સ રિટેલ- નેટમેડ્સ વચ્ચે સોદો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જેની બજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી.

કેબિનેટની બેઠક પર બજારની નજર

મોદી કેબિનેટની બેઠક આજે યોજાઈ છે. જેમાં પાવર વિતરણ કંપનીઓને સસ્તી લોન લેવાની શરતો સરળ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 10નો વધારાને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.

મિડિયા, બેન્ક અને રિયલ્ટી શેરોમાં તેજી

મિડિયા, મેટલ, બેન્ક અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં તેજી હતી. ઝી ગ્રુપની આગેવાની હેઠળ મિડિયા શેરોમાં તેજી થઈ હતી. PSU બેન્ક શેરોમાં પણ જોરદાર તેજી થઈ હતી. રિયલ્ટી શેરોમાં શોભા ડેવલપરે સાત ટકાની છલાંગ મારી હતી. નિફ્ટી FMCG, ઓટો, આઇટી અને ફાર્મા ઇન્ડેક્સ તૂટ્યા હતા.

સરકારી બેન્કોમાં તેજી

સ્થાનિક શેરબજારોમાં સરકારી બેન્કોમાં સારીએવી તેજી હતી. સરકાર ટૂંક સમયમાં ચાર બેન્કોમાં હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. આ શેરવેચાણની કામગીરી ચાલુ નાણાકીય વર્ષમાં પૂરી થવાની આશા. આ ચાર બેન્કોમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્ક સામેલ છે. આ બેન્કોમાં સરકારનો 50 ટકા કરતાં વધુ હિસ્સો છે.

ડોલરના મુકાબલે રૂપિયો નરમ

સ્થાનિક શેરબજારોમાં તેજીને પગલે ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયો બેતરફી વધઘટે છ પૈસા ઘટીને પ્રતિ ડોલર 74.82ના મથાળે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 74.71ના મથાળે મજબૂત ખૂલ્યો હતો, પણ તેજી જળવાઈ નહોતી, ત્યાર બાદ ડોલર સામે એક સમયે 74.93 સુધી ઘટ્યો હતો, પણ અંતે છ પૈસા સુધરીને 74.82 (74.82) પર બંધ આવ્યો હતો.

79 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીએ

ટ્રેડિંગ સેશન દરમ્યાન 79 શેરો 52 સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જ્યારે નવ શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા.

નિફ્ટી 50ના 28 શેરો તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે 22 શેરો ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં 14 શેરો તેજી સાથે અને 16 શેરો નરમ બંધ રહ્યા હતા. NSE પર 1532 શેરો તેજીમાં હતા, જ્યારે 797 શેરોમાં નરમીઈ હતી.  BSE પર 1790 શેરો તેજી સાથે અને 1000 શેરો મંદી સાથે બંધ થયા હતા.