લંડનઃ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાના નિર્ણયની જાણકારી રાજા ચાર્લ્સને આપી દીધી છે અને નવા વડા પ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પદ પર યથાવત્ રહેશે. તેમણે લેબર પાર્ટીના નેતા પદેથી પણ રાજીનામું આપી દીધું છે. લેબર પાર્ટીમાં તેમના નેતૃત્વને લઈને અસંતોષ વધતો જઈ રહ્યો હતો. રાજીનામાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ નવા વડા પ્રધાનને સંપૂર્ણ સમર્થન આપતા રહેશે.
નવા નેતાની પસંદગી ક્યારે થશે?
તેમણે જણાવ્યું હતું કે તેમણે સોમવારે સવારે રાજા સાથે વાત કરી હતી અને લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવાની વિનંતી કરી હતી. નવા નેતૃત્વ માટે નામાંકન નવ જુલાઈથી શરૂ થશે અને સંસદના ઉનાળુ સત્રના ખતમ પહેલાં પૂર્ણ થશે, જેથી સપ્ટેમ્બરમાં સાંસદો પાછા ફરતાં પહેલાં નવા લેબર નેતાની નિમણૂક થઈ શકે. ત્યાં સુધી સ્ટાર્મર વડા પ્રધાન તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે.
સ્ટાર્મરે શું કહ્યું?
પોતાના સંબોધનમાં સ્ટાર્મરે લેબર પાર્ટીને ફરી સત્તામાં લાવવાના પ્રવાસનો ઉલ્લેખ કર્યો અને પાર્ટી નેતા તરીકેના પોતાના કાર્યકાળનું સમર્થન કર્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે લેબર પાર્ટી રાજકીય, આર્થિક અને નૈતિક રીતે નબળી સ્થિતિમાં હતી અને અનેક લોકોએ પાર્ટી ખતમ થઈ ગઈ હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પણ અમે તે બધાને ખોટા સાબિત કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીમાં રહેલી યહૂદીવિરોધી માનસિકતાને દૂર કરવામાં આવી અને અર્થતંત્ર, સંરક્ષણ તથા રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે લોકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવામાં આવ્યો હતો.
#BreakingNews | Keir Starmer announces resignation as Prime Minister of the United Kingdom and leader of the Labour Party. #UnitedKingdom #KeirStarmer pic.twitter.com/xyBCZGsCsk
— DD News (@DDNewslive) June 22, 2026
2024માં બન્યા હતા વડા પ્રધાન
કીર સ્ટાર્મરે 2024ની ચૂંટણીમાં લેબર પાર્ટીને ભારે બહુમતી સાથે જીત અપાવી હતી અને 14 વર્ષથી ચાલતા કન્ઝર્વેટિવ શાસનનો અંત લાવી વડા પ્રધાન બન્યા હતા. શરૂઆતમાં તેમની સરકારને લોકોનો વ્યાપક સમર્થન મળ્યું હતું, પરંતુ બાદમાં અર્થતંત્ર, જાહેર સેવાઓ અને પાર્ટીના આંતરિક મતભેદો જેવી સમસ્યાઓને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.






