સુનિલ ગાંધીનું “બ્રેકીંગ ફ્રી” સક્સેશન પ્લાનિંગની દિશામાં માર્ગદર્શક!

મુંબઈ: બાપ-દાદાની ગાદી પર બેસી વેપાર-ધંધો આગળ વધારવાનો સમય બદલાઈ ગયો છે. પારિવારિક બિઝનેસનો યુગ અંત તરફ આગળ વધી રહયો છે. હવેની પેઢી પરિવારના વેપાર-ધંધાને ચાલુ રાખવા કરતા પોતાનો નવો પથ કંડારવામાં માને છે અને પોતે હાંસલ કરેલા ઉચ્ચ અભ્યાસને આધારે પોતાને યોગ્ય જણાય તે બિઝનેસ કરવામાં માને છે અથવા મોટી કોર્પોરેટ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઊંચા પગારે નોકરી લઈ અલગ જીવન જીવવાનું પસંદ કરે છે. ઘણાં તો વિદેશ અભ્યાસ માટે જઈ ત્યાં જ નોકરી લઈ સેટલ થઈ જાય છે. આમ હવેની પેઢી (અમુક અપવાદો સિવાય) પોતાના પારિવારિક બિઝનેસમાં પ્રવેશવા માગતી નથી. આવા સંજોગોમાં ફેમિલિ બિઝનેસ સામે ચોકકસ પડકારો પણ ઊભા થયા છે અને કેટલાંક વિવાદોના કિસ્સા પણ બન્યા છે.મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફાઇનાન્સિયલ કન્સલટન્ટ સુનિલ ગાંધીએ આ વિષયમાં લખેલું પુસ્તક “બ્રેકીંગ ફ્રી” – ફેમિલી બિઝનેસ ગાઈડ ટુ સક્સેશન પ્લાંનિંગ, એક્ઝિટ, ઈન્હેરિટન્સ અને લાઈફ બિયોન્ડ બિઝનેસ.ફેમિલિ બિઝનેસઃ મોડું થઈ જાય તે પહેલાં… હાલ આ વિષયમાં માર્ગદર્શક બને એવું છે. આજે જ્યારે મોટાભાગના મોટા ફેમિલી બિઝનેસ ધરાવતા પરિવારો સક્સેસન પ્લાંનિંગ સંબંધી કોર્ટમાં કેસો લડી રહ્યા છે ત્યારે સુનિલ ગાંધી નું નવું પુસ્તક “બ્રેકીંગ ફ્રી” – ફેમિલી બિઝનેસ ગાઈડ ટુ સક્સેશન પ્લાંનિંગ, એક્ઝિટ, ઈન્હેરિટન્સ અને લાઈફ બિયોન્ડ બિઝનેસ. મધ્યમ કક્ષાના ફેમિલી બિઝનેસ માટે ઉપયોગી બને એમ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકમાં બિઝનેસ સક્સેશન, એક્ઝિટ (વેચાણ), ત્યાર બાદ વ્યક્તિગત ફાઇનાન્સિયલ પ્લાંનિંગ, સંપત્તિનું વારસાગત આયોજન અને બિઝનેસ પછીનું જીવન આ દરેક મુદ્દાઓને વિસ્તારથી આવરી લેવામાં આવ્યા છે. લેખક કહે છે કે સામાન્ય રીતે રોજબરોજના બિઝનેસની દોડમાં મધ્યમ અને નાના કદના બિઝનેસના માલિકો આ વિષયના આયોજન પર ધ્યાન આપતા કે આપી શકતા નથી, જેને કારણે તેમના દ્રારા કાં તો સમયસર કોઈ પગલાં જ લેવામાં નથી આવતા અથવા ઘણું જ મોડું થાય પછી આ વિષય વિષે વિચારવામાં આવે છે. આ બંને પરિસ્થિતિમાં બિઝનેસ અને ફેમિલી બંનેને નુકશાન થાય છે. રોજબરોજના બિઝનેસની જેમ જ સક્સેશન પ્લાંનિંગ પણ બિઝનેસનું મહત્વનું અંગ ગણાય. પોતાની સ્વનિર્ભરતા માટે શરુ કરવામાં આવેલો બિઝનેસ સમય જતા કયારેક સોનાની સાંકળ બની જાય છે. એ સાંકળને તોડવાની અને પરિવારમાં આ સબંધી વિવાદો ન થાય એ વિષે સરળતાથી વિવિધ પાસાંઓની સમજને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.સુનિલ ગાંધી વિશે

સુનીલ ગાંધી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લેખક અને બિઝનેસ કન્સલ્ટન્ટ છે. તેઓ ફેમિલી બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોને સક્સેશન પ્લાનિંગ, એક્ઝિટ સ્ટ્રેટેજી, અને ફંડ રેઇઝિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં માર્ગદર્શન આપે છે. ૩૭ વર્ષોનો કન્સલ્ટિંગ અનુભવ ધરાવતા સુનીલ ગાંધી ૧૨ પુસ્તકોના લેખક છે, જેમાં નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગ પર આધારિત Indian Startups, SMEs & Financial Literacy તેમજ મહિલાઓ માટે નાણાકીય સ્વસ્થતા વિષયક Indian Women & Financial Fitness જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે લખેલી અમિતાભ બચ્ચન, અનુપમ ખેર વગેરે અભિનિત ફિલ્મ “ઊંચાઈ” ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.