અમદાવાદ: બ્રહ્માકુમારીઝ સંસ્થાની સ્થાપનાના ૯૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્થાના આર્ટ એન્ડ કલ્ચર વિંગ (RERF) દ્વારા “વૈશ્વિક સંસ્કૃતિ : પ્રેમ, શાંતિ અને સદભાવના” પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્ય સ્તરીય “પારિવારિક સદભાવના જાગૃતિ અભિયાન”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, સાહિત્યકારો, કલાકારો અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આર્ટ એન્ડ કલ્ચર વિંગના અધ્યક્ષા બીકે ચંદ્રિકા બહેનએ પરિવારોમાં પ્રેમ, સંવાદ અને પરસ્પર સન્માનની આવશ્યકતા પર ભાર મૂકતા શાળાઓ, કોલેજો અને સોસાયટીઓને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. બ્રહ્માકુમારીઝની ટીમ સુખી અને મૂલ્યનિષ્ઠ પરિવારોના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં લોકજાગૃતિ કાર્યક્રમો યોજશે.
કાર્યક્રમના ઉદ્ઘાટક અને પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, આધુનિક યુગમાં પણ સ્વસ્થ પારિવારિક સંબંધો માટે સંવેદનશીલ સંવાદ અનિવાર્ય છે. મુખ્ય અતિથિ પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ આ અભિયાનને સમયની માંગ ગણાવીને યુવા પેઢી સુધી આ સંદેશ પહોંચાડવાના પડકાર વિશે વાત કરી હતી. વિશેષ અતિથિ અને જાણીતા અભિનેતા દીપક અંતાણીએ “આધુનિકતા પણ… સંસ્કાર પણ…” વિષયક લઘુનાટિકાની પ્રશંસા કરતા કહ્યું કે, આધુનિક જીવનશૈલી વચ્ચે પારિવારિક સંસ્કારોનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.
આ પ્રસંગે બીકે હેમા બહેન અને પ્રાદેશિક સંયોજિકા બીકે તૃપ્તિ બહેનએ સૌને રાજયોગ ધ્યાન દ્વારા આંતરિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો. કાર્યક્રમમાં નિમા સ્કૂલ, નિર્માણ સ્કૂલ અને સુમન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોને દર્શાવતી આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આગામી સમયમાં આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સશક્ત પારિવારિક સંસ્કૃતિના નિર્માણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.






