MBA વિદ્યાર્થીઓનાં નકલી ખાતાં ખોલી રૂ. 99.48 લાખની સ્કોલરશિપનું કૌભાંડ

ભોપાલઃ ભોપાલમાં થયેલા એક કથિત સ્કોલરશિપ કૌભાંડનો ખુલાસો CBIની તપાસ દરમિયાન થયો છે. આ કેસમાં MBA વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલા સરકારી ફંડને વિદ્યાર્થીઓની જાણકારી વિના ખોલાયેલાં બેંક ખાતાંઓ મારફતે અન્યત્ર વાળવામાં આવ્યા હોવાનો આરોપ છે. CBIએ યુકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર તેમ જ એકેડમી ઓફ મેનેજમેન્ટ કોલેજ, ભોપાલ સાથે જોડાયેલા પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી, 2020થી ઓક્ટોબર 2021 વચ્ચે સરકારી સ્કોલરશિપના અંદાજે 99.48 લાખ રૂપિયા ગેરરીતે હડપ કરવામાં આવ્યા હતા.

એકેડમી ઓફ મેનેજમેન્ટ ભોપાલના અવધપુરી વિસ્તારમાં આવેલી ખાનગી અને બિઝનેસ સ્કૂલ છે. તેની સ્થાપના 2009માં થઈ હતી. સંસ્થા AICTE દ્વારા મંજૂર અને બરકતુલ્લાહ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેનું સંચાલન લાલા રામ રાખામલ ટ્રસ્ટ કરે છે અને તે બે વર્ષનો MBA અભ્યાસક્રમ ચલાવે છે.

ફરિયાદ કોણે કરી?

આ મામલો યુકો બેંક, ભોપાલના ડેપ્યુટી જનરલ મેનેજર અને ઝોનલ હેડ લોકેશ કુમારની ફરિયાદ બાદ સામે આવ્યો હતો. કુમારે હબીબગંજ શાખામાં 118 બેંક ખાતાં ખોલવામાં અને તેમના સંચાલનમાં ગેરરીતિ થયાનો આરોપ મૂક્યો હતો. FIR મુજબ આ ખાતાઓ MBA વિદ્યાર્થીઓને નામે તેમની જાણ અથવા સંમતિ વિના ખોલવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સરકારી સ્કોલરશિપની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી અને વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે તે પહેલાં જ ઉપાડી લેવામાં આવી હતી.

CBIની FIRમાં શું જણાવાયું છે?

CBIની FIRમાં જણાવાયું છે કે 1 જાન્યુઆરી 2020થી 31 ઓક્ટોબર, 2021 દરમિયાન યુકો બેંકની હબીબગંજ શાખામાં વિવિધ વ્યક્તિઓને નામે 118 નકલી બેંક ખાતાંઓ ખોલવામાં આવ્યાં હતાં. સરકાર દ્વારા આપવામાં આવેલી 99.48 લાખ રૂપિયાની સ્કોલરશિપ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી, જેના બાદ અજાણ્યા લોકોએ તેનો દુરુપયોગ કર્યો હતો.

કેટલા લોકો આરોપી બનાવાયા?

CBIએ આ કેસમાં કુલ છ લોકોને આરોપી બનાવ્યા છે. તેમાં યૂકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર પ્રેમા વર્માનો સમાવેશ થાય છે.

અન્ય આરોપીઓમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે:

  • વિનય મલ્હોત્રા – એકેડમી ઓફ મેનેજમેન્ટ કોલેજ, ભોપાલના ડિરેક્ટર
  • પ્રોફેસર આદિત્ય મલ્હોત્રા
  • સહાયક પ્રોફેસર મનોજ જૈન
  • વિનેશ મેશ્રામ
  • રામસિંહ વર્મા (તે સમયે કોલેજમાં કાર્યરત)