અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એક દમ મસ્ત રીતે થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરને ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે અત્યારે પણ અયોધ્યામાં લાખો રામ ભક્તો હાજર છે. ત્યારે હવે ભાજપે ‘શ્રી રામ જન્મભૂમિ દર્શન’ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેની શરૂઆત કરી છે. આ અંતર્ગત દરેક લોકસભામાંથી 6 હજાર શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ અભિયાન 25 માર્ચ સુધી ચાલશે.
ભાજપે 25 હજાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી
શ્રદ્ધાળુઓને માત્ર એક હજાર રૂપિયામાં અયોધ્યા યાત્રા, રહેવા, ભોજન અને દર્શનની સુવિધા આપવામાં આવી રહી છે. જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગતા હોવ તો માત્ર એક હજાર રૂપિયા ખર્ચીને આ સુવિધા મેળવી શકો છો. ભાજપે તેના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓને તેમના સંબંધિત મતવિસ્તારમાંથી એવા તમામ લોકોને અયોધ્યા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે જેઓ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છે છે. ભાજપે અયોધ્યામાં 25 હજાર શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરી છે. આ સ્થળોએ રામ ભજન, કીર્તન અને રામલીલા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
VHP પણ 5000 કાર્યકરોને દર્શન આપશે
ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, 1 હજાર રૂપિયાની રકમ માત્ર એટલા માટે રાખવામાં આવી છે કે ભગવાન રામના દર્શન માટે માત્ર ગંભીર લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે. દેશભરના તમામ રાજ્યોમાંથી રામભક્તોને અયોધ્યા લઈ જવાની અને તેમને દર્શન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ તેના સ્તરે ભગવાન રામના દર્શન કરવા માટે લગભગ 5000 કાર્યકરોને અયોધ્યા લઈ જવાની યોજના બનાવી રહી છે.