ગીતકાર નવાબ આરઝૂએ ફિલ્મ ‘બાજીગર’ (1993) નું ટાઇટલ ગીત ‘બાજીગર ઓ બાજીગર’ લખ્યું ત્યારે એ સલમાનની
ફિલ્મ હતી અને માત્ર કાજોલનું સોલો ગીત હતું. બોલિવૂડના આ ગીતની વાત એવી છે કે નવાબ ગીતકાર તરીકે લોકપ્રિય થઈ રહ્યા હતા. નદીમ – શ્રવણ સાથેની ફિલ્મો સાથી, દિલ કા કસૂર વગેરેના ગીતો હિટ થઈ ગયા હતા. ત્યારે અનુ મલિકના સંગીતવાળી જુગલ -ઊર્મિલાની ફિલ્મ ‘આ ગલે લગ જા’ માં આમ તો સાત ગીતો હતા પણ માત્ર ટાઇટલ ગીત નવાબે લખ્યું હતું. એટલે અનુએ ફરી એક ટાઇટલ ગીત માટે નવાબને યાદ કર્યા હતા.
એ સમય પર મોબાઈલ ન હતા અને નવાબના ઘરનો ટેલિફોન ખરાબ હતો. કોઈએ નવાબને સંદેશ આપ્યો કે અનુ મલિક તમને બહુ બેચેનીથી શોધી રહ્યા છે. એમને મળી આવો. નવાબ અનુના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે નજીકમાં સમુદ્ર છે અને ત્યાં એ ટહેલવા ગયા છે. નવાબે અનુને શોધી કાઢ્યા ત્યારે એમણે પૂછ્યું કે એક ફિલ્મનું ટાઇટલ ‘બાજીગર’ છે એ કેવું લાગે છે? નવાબે કહ્યું કે સારું છે. ત્યારે અનુએ એનું પણ માત્ર ટાઇટલ ગીત લખવાનું કહ્યું. સમુદ્ર કિનારે ફરતા ફરતા જ બંનેએ ગીતનું મુખડું ‘મેરા દિલ થા અકેલા’ તૈયાર કરી દીધું અને નક્કી કરીને વાજિંત્રો સાથે સંગીત કંપની ‘વીનસ’ ની ઓફિસ પર પહોંચી ગયા. ત્યાં નિર્દેશક અબ્બાસ-મસ્તાન બેઠા હતા. એમને ‘બાજીગર ઓ બાજીગર’ નું મુખડું સંભળાવ્યું. એમણે પસંદ આવ્યું અને નવાબે ગીતના કેટલાક અંતરા પણ લખી આપ્યા.

નવાબે જ્યારે આ ગીત લખ્યું ત્યારે ફિલ્મ ‘બાજીગર’ નો હીરો સલમાન ખાન નક્કી થયો હતો અને એમાં ટાઇટલ ગીત હીરોઈન કાજોલ એકલી ગાઈ રહી હતી. નવાબનું આખું ગીત તૈયાર થયું અને સંગીત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થઈ ગયું. થોડા દિવસ પછી નવાબને અનુનો ફોન આવ્યો કે અબ્બાસ- મસ્તાન તને શોધી રહ્યા છે. નવાબે એમને ફોન કર્યો ત્યારે માહિતી આપી કે ફિલ્મ ‘બાજીગર’ નો હીરો બદલાઈ ગયો છે અને શાહરૂખ ખાન આવ્યો છે. હવે એવું કંઈક કરો કે ટાઇટલ ગીત યુગલ ગીત થઈ જાય.

નવાબે કહ્યું કે તમે જે વાર્તા સંભળાવી હતી એ મુજબ તો છોકરો બદલો લેવા આવ્યો હોય છે અને એની બહેનને મારી નાખે છે. એ પછી એ શું ગીત ગાશે? નિર્દેશકે કહ્યું કે એ શું ગાશે એ તમારે જોવાનું છે. તમે વિચાર કરીને લખો. નવાબે સમય માંગ્યો અને ગીતના શબ્દોમાં ફેરફાર કરી કાજોલ માટે ‘બાજીગર ઓ બાજીગર’ શબ્દો રહેવા દીધા અને શાહરૂખ માટે ‘બાજીગર મેં બાજીગર, દિલવાલોં કા મેં દિલબર, દિલ લેકે દિલ દિયા હૈ, સૌદા પ્યાર કા કિયા હૈ, દિલ કી બાજી જીતા દિલ હાર કર’ લખી આપ્યું.
ગીતને સપનામાં બતાવી દેવામાં આવ્યું. એ પછી ફિલ્મમાં એવો સંવાદ પણ આપી દીધો કે ‘પ્યાર મેં હારકર જીતનેવાલે કો બાજીગર કહતે હૈ’ જે બહુ લોકપ્રિય થયો હતો. ત્યારે મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાને આ પાત્ર નકારાત્મક હોવાને કારણે, ખાસ કરીને હીરોઇનને ધક્કો મારીને મારી નાખવાના દ્રશ્યને કારણે ફિલ્મ કરવાની ના પાડી હતી. પિતા સલીમ ખાને પણ સલમાનને આ પ્રકારની ભૂમિકા ન કરવા માટે સલાહ આપી હતી.

