ભાજપના ધારાસભ્યે દિગ્વિજય સિંહને આપી મોટી ‘ઓફર’

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી જમીન સોદાને લઈને આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફેક્ટ-ચેક અને દસ્તાવેજોના અભ્યાસને આધારે મુખ્ય મંત્રી મોહન યાદવ સામે તેમની જ પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસની અંદરના મતભેદો જાહેર થયા હતા. ભાજપે દિગ્વિજય સિંહના વલણની પ્રશંસા કરી, જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેમના પર પાર્ટીના ભ્રષ્ટાચારવિરોધી અભિયાનને નબળું પાડવાનો અને પોતાના પુત્રનાં રાજકીય હિતોની રક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ વિવાદની શરૂઆત 24 જૂને થઈ હતી, જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જિતુ પટવારીએ મુખ્ય મંત્રી મોહન યાદવને નિશાન બનાવ્યા હતા. આ હુમલો મોહન યાદવના પરિવાર અને તેમની રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે એક અહેવાલ બાદ કરવામાં આવ્યો હતો. જિતુ પટવારીએ આરોપ લગાવ્યો કે અંદાજે 500 કરોડ રૂપિયાની સરકારી જમીન વીર ભારત ન્યાસ નામના ટ્રસ્ટને માત્ર એક રૂપિયાની ફીમાં ફાળવી દેવામાં આવી હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીરામ તિવારી છે, જે મુખ્ય મંત્રીના સાંસ્કૃતિક સલાહકાર છે. આ ટ્રસ્ટને આટલી કીમતી જમીન કયા આધારે આપવામાં આવી?

વિપક્ષ માટે આ ભ્રષ્ટાચારનો મુદ્દો મજબૂત રીતે ઉઠાવવાની મોટી તક હતી, પરંતુ થોડા જ દિવસોમાં દિગ્વિજય સિંહના નિવેદને સમગ્ર મામલાની દિશા બદલી નાખી. અગાઉ ભાજપના નિશાને રહેલા દિગ્વિજય સિંહ ઉજ્જૈનમાં મિડિયા સમક્ષ આવ્યા અને પાર્ટીના નેતૃત્વ સાથે કોઈ સ્પષ્ટ સમન્વય વિના મુખ્ય મંત્રી સામે લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું  કે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ 500 કરોડ રૂપિયાની જમીન માત્ર એક રૂપિયામાં ખાનગી ટ્રસ્ટને આપી દેવામાં આવી છે. પરંતુ મારી પાસે આ મામલાના તમામ દસ્તાવેજો છે, જે સાબિત કરે છે કે સંબંધિત જમીન કોઈ ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી નથી. આ ટ્રસ્ટ સરકારી ટ્રસ્ટ છે.

આ મામલો માત્ર પ્રશંસા સુધી જ સીમિત રહ્યો નહીં. ભાજપના ધારાસભ્ય પ્રીતમ લોધીએ તો જાહેરમાં દિગ્વિજય સિંહને ભાજપમાં જોડાવાનું આમંત્રણ પણ આપી દીધું. લોધીએ દિગ્વિજય સિંહને સારા અને વરિષ્ઠ નેતા” ગણાવતા કહ્યું હતું કે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ પણ કોંગ્રેસ તેમને યોગ્ય સ્થાન આપી રહી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જો દિગ્વિજય સિંહ ભાજપમાં જોડાશે, તો તેમને રાજાશાહી સન્માન” આપવામાં આવશે.