ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગર: મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે. 91 વર્ષની ઉંમરે શિવભદ્રસિંહજી ગોહિલે અંતિમ શ્વાસ લીધા. ઘણા લાંબા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર અને જાણીતા પ્રકૃતિવિદ્ હતા. શિવભદ્રસિંહજીના પાર્થિવ દેહને વિલાસ પેલેસમાં આજે બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.શિવભદ્રસિંહજી ગોહિલનો જન્મ ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં 23મી ડિસેમ્બર, 1933ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકર તળાવને કિનારે આવેલા ભાવવિલાસ પેલેસમાં નિવાસ કરે છે.તેમણે ૧૯૭૫માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમને વારસામાં મળેલાં ભાલનાં વેળાવદર ગામ પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે ભારત સરકારને ભેટ આપીને પોતાનો હક્ક જતો કર્યો હતો.

શિવભદ્રસિંહજી ગોહિલ 1962  થી 1972  દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય પદે પણ રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમણે વન્ય-સંરક્ષણની પ્રવૃત્તિમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત સરકારની સિંહ વિષયક તજજ્ઞોની સમિતિનું જ્યારથી ગઠણ થયું છે ત્યારથી તેઓ તેના સભ્ય છે. સિંહોની વસ્તી ગણતરી સમયે તેમણે સેવાઓ આપી હતી.