ભારત બંધઃ 25 કરોડ કર્મચારીઓ કરશે હડતાળ

નવી દિલ્હીઃ બેંકિંગ, વીમા, પોસ્ટ સેવાઓથી માંડીને કોલસા ખનન જેવાં વિવિધ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ આજે રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ભાગ લે તેવી શક્યતા છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા આ હડતાળ બોલાવવામાં આવી છે જેને ‘ભારત બંધ’ નામ આપવામાં આવ્યું છે. આ હડતાળ કેન્દ્ર સરકારની “મજૂરવિરોધી, ખેડૂતવિરોધી અને રાષ્ટ્રવિરોધી કોર્પોરેટ સમર્થક નીતિઓ”ના વિરોધમાં છે.

ટ્રેડ યુનિયનો એ રાષ્ટ્રવ્યાપી હડતાળને મોટી સફળતા બનાવવાનું આહવાન કર્યું છે અને કહ્યું છે કે તેની અનૌપચારિક અને ઔપચારિક બંને ક્ષેત્રોમાં મહિનાઓથી તૈયારીઓ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ની અમરજિત કૌરે જણાવ્યું હતું કે આ હડતાળમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી અપેક્ષા છે. ખેડૂત અને ગ્રામ્ય મજૂરો પણ દેશભરમાં વિરોધ પ્રદર્શનમાં જોડાશે.કઈ કઈ સેવાઓ પર અસર પડશે?

આ વ્યાપક પગલાથી મહત્વપૂર્ણ જાહેર સેવાઓ અને ઉદ્યોગો પર ગંભીર અસર પડશે એવી શક્યતા છે. હિંદ મજૂર સભાના હરભજનસિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, “હડતાળને લીધે બેંકિંગ, પોસ્ટ, કોલસા ખનન, ફેક્ટરીઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે.

વિરોધના મૂળમાં છે 17 માગોનો ચાર્ટર

આ હડતાળનો મુખ્ય આધાર એ 17 માગોનું ચાર્ટર છે જે યુનિયનોએ ગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને સોંપ્યું હતું. યુનિયનોનો દાવો છે કે સરકારે આ માગોને અવગણેલી છે અને છેલ્લા એક દાયકાથી વાર્ષિક શ્રમ સંમેલન પણ બોલાવ્યું નથી, જે સરકારની શ્રમ વિરુદ્ધની ઉદાસીનતા દર્શાવે છે.

શ્રમ કાયદાને લઈને અસંતોષસંયુક્ત નિવેદનમાં મંચે આરોપ મૂક્યો કે સરકારે રજૂ કરેલા ચાર નવા શ્રમ કાયદા એવા બનાવવામાં આવ્યા છે કે જે શ્રમિકોના હકોને નષ્ટ કરે છે. યુનિયનોનું કહેવું છે કે આ કાયદા યુનિયનની પ્રવૃત્તિઓને નબળી પાડે છે, કામના કલાકો વધારવામાં આવે છે અને સંસ્થા માલિકોને જવાબદારીથી બચાવવાના રસ્તા આપે છે.

સરકારની નીતિઓનો વિરોધ

મંચે કહ્યું કે સરકાર હવે કલ્યાણકારી રાજ્યના ભાવને છોડી ચૂકી છે અને વિદેશી તથા દેશી કોર્પોરેટ્સના હિતમાં કામ કરી રહી છે, જે તેની નીતિઓથી સ્પષ્ટ છે. ટ્રેડ યુનિયનો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો અને સેવાઓના ખાનગીકરણ, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી અને કામદારોના અનિશ્ચિતકરણ સામે લડી રહી છે.