સુરત સીટી બસના વાયરલ VIDEOએ કોર્પોરેટરની ઊંઘ ઉડાડી

સુરત: બુધવારે સુમુલ ડેરી રોડ ઉપર સીટી બસના કંડકટર સાથે એક મુસાફરે બોલચાલી કરી, પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ ઝાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ  મીડિયામાં વાયરલ થયો છે. જેના પર પ્રતિક્રિયા આપતા સુરતના કોર્પોરેટરે ખુલાસો આપતો વીડિયો મૂકવો પડ્યો છે.

 

સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી B.R.T. બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેસેલાં યુવકે પોતે ભાજપના ધારાસભ્યનો પુત્ર તરીકે ઓળખ આપી કન્ડક્ટરનો કોલર પકડી લીધો હતો. બસમાં ચડ્યા બાદ એને કંડકટરે દરવાજા પાસે કેમ ઊભો છે ? એવું કહેતા આ બાબતને લઈ યુવકે કંડકટરનો કોલર પકડી લીધો હતો. કંડક્ટરે કોલર કેમ પકડે છે એવું કહેતા એણે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાની ઓળખ આપી હતી અને જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો એ બેગની ચેન ખોલી અંદરથી રૂપિયા 500ના ચલણની નોટના બંડલ બતાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

યુવકે પોતે ધારાસભ્ય પરેશ સોજીત્રાનો પુત્ર હોવાનું કહ્યુ હતુ અને એણે મોબાઈલમાં એક ફોટો પણ બતાવ્યો હતો. આ ફોટોમાં નરેન્દ્ર મોદી અને સુરતના કોર્પોરેટર પરેશ પટેલ હતા. વીડિયો અને મીડિયાના ફોન પરેશ પટેલ સુધી પહોંચતા એમણે તરત એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો. જેમાં જણાવાયું છે કે આ ઘટના સાથે એમને કોઈ લેવા-દેવા નથી. એમણે ફરિયાદ પણ કરી છે.