ઢાકાઃ BCCIએ તાજેતરમાં IPL ફ્રેન્ચાઇઝી KKRને બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાની સૂચના આપી હતી. આ પછી તરત જ KKRએ મુસ્તાફિઝુર રહમાનને પોતાની ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ નિર્ણયથી નારાજ થઈને બાંગ્લાદેશે હવે મોટું પગલું લીધું છે. બાંગ્લાદેશે વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિકાસ્ટ પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશમાં રહેલા IPLના દીવાના ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
KKRએ ગયા મહિને અબુધાબીમાં યોજાયેલા મિની ઓક્શનમાં મુસ્તાફિઝુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મંત્રાલયે ટીવી ચેનલોને આપ્યો આદેશ
બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાંચ જાન્યુઆરીએ ટેલિવિઝન ચેનલોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું પ્રસારણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સૂચના ટેલિવિઝન ચેનલોને એક સત્તાવાર પત્ર મારફતે આપવામાં આવી હતી. આ પત્રમાં જણાવાયું છે કે BCCI દ્વારા બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર મુસ્તાફિઝુર રહમાનને આવનારી IPL સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે BCCIના આ નિર્ણય પાછળ કોઈ યોગ્ય કારણ જણાવવામાં આવ્યું નથી, જેને કારણે બાંગ્લાદેશના લોકો ખૂબ દુઃખી છે અને ગુસ્સામાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તમામ ટેલિવિઝન ચેનલોના અધિકારીઓને આગામી આદેશ સુધી તમામ IPL મેચો અને સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ તાત્કાલિક બંધ રાખવાની સૂચના આપી છે.
બાંગ્લાદેશની ટીમ ભારત નહીં આવે
આ પહેલાં બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત ન જવાનો સત્તાવાર નિર્ણય લીધો છે, જેને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને બાંગ્લાદેશના તમામ મેચો ભારતમાંથી શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ 2026ના લીગ સ્ટેજમાં બાંગ્લાદેશને પહેલી ત્રણ મેચ કોલકાતા અને ચોથી લીગ સ્ટેજ મેચ મુંબઈમાં રમવાની છે.


