નવરાત્રિમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃપૂજન

સુરત: નવલી નવરાત્રિમાં અંકલેશ્વર GIDCની સંસ્કારદીપ વિદ્યાલયમાં અનોખો માતૃપૂજન દિવસ મનાવાયો હતો. ઈશ્વર બધે રહી શકતા નથી પણ આપણે બધે ભગવાન છે એવું માનીએ છીએ. મા આદ્યાશક્તિ મૂર્તિસ્વરૂપે કે તસવીર સ્વરૂપે હાજર હોય છે. જો કે દરેક બાળક પાસે તેમની પોતાની માતા હાજરાહજૂર છે. 365 દિવસમાં એક દિવસ માતાનું પોતાનું વહાલસોયુ બાળક પૂજન કરીને એક ઉત્તમ દાખલો બેસાડે છે.સંસ્કારદીપ વિદ્યાલયમાં પહેલા નોરતે લગભગ એકાદ હજાર જનનીઓને તેમના બાળકે કંકુ, ચોખાથી પૂજન કરીને મોઢું મીઠુ કરાવ્યું હતું.  માતા અને બાળક વહાલથી એકાબીજાને ભેટતા મમતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર GPCBના RO ડૉ. જિજ્ઞાસાબેન ઓઝાએ આ દ્વશ્યો જોતા ભાવુક થયા હતા, તેઓની આંખ ભીની થઇ ગઈ હતી.આ પ્રસંગે અંકલેશ્વર ડૉ. જિજ્ઞાસાબેન ઓઝાએ જણાવ્યું હતું, “દરેક માતાનું યોગદાન બાળક ઉછેરમાં રહ્યું છે. પહેલા એવી કહેવતો હતી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી…!! આ વાક્યને હકારાત્મક રીતે લઈએ તો સ્ત્રીને ખબર પડે ખાડો હોય તો ખબર પડી જાય. જયારે પુરુષોને આગળ ખાડો હોય તો તેમને ખબર ન પડતા અંદર પડી જાય છે. આજે  અભણ સ્ત્રી પણ માતા તરીકે પોતાના બાળકના ઉછેરમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. માતા પાસે ભલે બે હાથ હોય એ જોઈ શકાય છે પણ તેઓને અદ્વશ્ય અનેક હાથ હોય છે, જે જોઈ શકાતા નથી. પણ અનુભવ કરી શકાય છે. એટલે જ કવિતામાં કહેવાયું છે કે “હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો?. મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?, મા હેતવાળી દયાળી જ મા, તું !આ પ્રસંગે હાજર માતાઓ અને બાળકોએ માતૃભાવના, સ્નેહના સંબંધો પર પ્રતિભાવો આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ એન. કે. નાવડીયા, મંત્રી હિતેનભાઈ આણંદપુરા, AIAના પ્રમુખ વિમલ જેઠવા, ચંદ્રેશ દેવાણી સહિત નવદુર્ગા યુવક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…

(અરવિંદ ગોંડલિયા-સુરત)