ગાંધીનગર: નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને પંજાબ પોલીસ વચ્ચે ચંદીગઢ ખાતે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સામનો કરવા માટે વ્યાપક તાલીમ કાર્યક્રમોના આયોજનનો છે. સાથે જ કાયદા અમલીકરણ માટે કર્મચારીઓની ક્ષમતાઓમાં વધારો કરવાનો છે. આ કરાર હેઠળ, RRU(રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી) પંજાબ પોલીસને વર્ગખંડ-આધારિત અને વર્ચ્યુઅલ લર્નિંગ એમ બંન્ને ફોર્મેટમાં તાલીમ પ્રદાન કરશે. જો મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો,
- મહિલા સશક્તિકરણ અને પોલીસિંગમાં ભૂમિકા: કાયદાના અમલીકરણમાં લિંગ વિવિધતાના મહત્વને ઓળખીને, આ કાર્યક્રમ હેઠળ મહિલા સશક્તિકરણ અને પોલીસિંગના પ્રયાસોમાં મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવશે.
- સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વ્યૂહરચના: સાયબર ગુનાઓની તપાસ માટે અદ્યતન વ્યૂહરચના શીખવવામાં આવશે.
- બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી: આ તાલીમનો હેતુ ફોજદારી પ્રવૃત્તિઓમાં બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીની અસરો અને નાણાકીય તકનીકોમાં થઈ રહેલા વિકાસને અનુરૂપ કાયદાના અમલીકરણના અનુકૂલન વિશે શિક્ષિત કરવાનો છે.
- નાણાકીય છેતરપિંડી નિવારણ તકનીકો: એ વાત સુનિશ્ચિત કરવામાં આવશે કે સત્તાવાળાઓ આર્થિક ગુનાઓનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.
- દેખરેખ માટે ડ્રોન તાલીમ: પોલીસિંગમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે, અધિકારીઓને દેખરેખના હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની વિશેષ તાલીમ આપવામાં આવશે.
- આતંકવાદ વિરોધી પદ્ધતિઓ: લક્ષિત તાલીમ દ્વારા વર્તમાન જોખમોને સંબોધવા માટે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવાનો છે.
- V.I.P. સુરક્ષા પ્રોટોકોલ: અધિકારીઓને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓ (વી.આઈ.પી.)ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવશે.
- વિદેશી ભાષા નિપુણતા: વિવિધ સમુદાયો સાથે વાતચીત સુધારવા માટે, પંજાબ પોલીસના કર્મચારીઓને ભાષા પ્રાવીણ્ય અંગે તાલીમ આપવામાં આવશે.
MOU સમારોહમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રા અને પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ ખાસ હાજર રહ્યા હતા. આ હસ્તાક્ષર પંજાબ પોલીસના કર્મચારીઓના કૌશલ્યને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
કાર્યક્રમ દરમિયાન પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રાએ કહ્યું કે, “આ એમ.ઓ.યુ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પંજાબ પોલીસ વચ્ચે જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારતના સુરક્ષા ઇકોસિસ્ટમમાં ભાવિ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો. કાયદાના અમલીકરણ માટે અધિકારીઓને અદ્યતન કૌશલ્યો અને જ્ઞાનની જરૂર હોય છે. આથી આવા વિવિધ ઓપરેશનલ ક્ષેત્રોમાં કામગીરીને વધારવા માટે વ્યાપક તાલીમ આવશ્યક છે.”