નવી દિલ્હી: ચીને ભારતીય ફાર્મા ઉત્પાદનો પર લાગતો 30 ટકા આયાત શુલ્ક ઘટાડી શૂન્ય કરી દીધો છે. તેનો અર્થ એ છે કે હવે ભારતીય કંપનીઓ ચીનને દવાઓ કોઈ કસ્ટમ ડ્યુટી વગર વેચી શકશે. આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાએ ભારતીય દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવી બજાર લગભગ બંધ કરી દીધું છે. એવા સમયે ચીનનો આ નિર્ણય ભારતીય ફાર્મા સેક્ટર માટે રાહત અને નવી તક સમાન છે.
ભારતને ‘વિશ્વની ફાર્મસી’ કહેવાય છે, કારણ કે અહીં બનેલી જેનેરિક દવાઓ અને વેક્સિન સસ્તી કિંમતે દુનિયાઆખીમાં સપ્લાય થાય છે. જોકે અત્યાર સુધી ચીનનું બજાર ભારતીય કંપનીઓ માટે સહેલું નહોતું, કારણ કે 30 ટકા ડ્યુટીને કારણે દવાઓની કિંમત વધી જતી હતી. પરંતુ હવે શૂન્ય શુલ્ક સાથે ભારતીય કંપનીઓને ચીન જેવા વિશાળ બજારમાં સીધી સ્પર્ધા કરવાની તક મળશે. આથી ન માત્ર એક્સપોર્ટ વધશે પરંતુ ભારતની વૈશ્વિક હેલ્થકેર સપ્લાય ચેઇનમાં પકડ વધુ મજબૂત થશે.
અબજો ડોલરની નવી તક
વિશેષજ્ઞોના મતે આ નિર્ણયથી ભારત-ચીન વેપાર સંતુલન સુધારવામાં મદદ મળશે. અત્યારે સુધી વેપાર ચીનના પક્ષમાં હતો, પરંતુ ફાર્મા એક્સપોર્ટથી ભારતને મોટો લાભ થશે. ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારોના જણાવ્યા મુજબ આવનારાં વર્ષોમાં ભારતીય દવા નિકાસ અબજો ડોલર સુધી વધી શકે છે. તેની સાથે દેશમાં રોજગારની નવી તક પણ ઊભી થશે અને કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
ફાર્મા ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે આ પગલું ભારતને વૈશ્વિક હેલ્થકેર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થિતિ આપશે. અમેરિકન બજારના ઝટકાની બાદ ચીન તરફથી મળેલી આ રાહત ભારતીય કંપનીઓને સંતુલન બનાવવામાં અને નવાં બજારોમાં ઝડપથી વિસ્તરણ કરવામાં મદદ કરશે. વિશેષજ્ઞોના અનુસારમાં આ નિર્ણય માત્ર ભારતીય અર્થતંત્ર માટે નહીં, પરંતુ આખી દુનિયામાં સસ્તી અને ભરોસાપાત્ર દવાઓની સપ્લાય માટે પણ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
