અમેરિકન સાંસદોએ ભારત પરના 50 ટકા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય ઇમર્જન્સીને ખતમ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઇમર્જન્સી ઘોષણાને આધારે જ ભારતથી આયાત થનારા માલ પર 50 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવ્યો હતો. અમેરિકી સાંસદોએ આ ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા છે અને ચેતવણી આપી છે કે તેને કારણે અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત-અમેરિકા સંબંધોને નુકસાન પહોંચશે.

આ પ્રસ્તાવ સાંસદ ડેબોરા રોસ (Deborah Ross), માર્ક વીસી (Marc Veasey) અને રાજા કૃષ્ણમૂર્તિ (Raja Krishnamoorthi) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ એક અન્ય પ્રસ્તાવ દ્વારા બ્રાઝિલ પર લાગુ કરાયેલા આવા જ ઇમર્જન્સી આધારિત ટેરિફને પાછો ખેંચવા અને રાષ્ટ્રપતિની શક્તિઓનો ઉપયોગ કરીને ટેરિફ લગાવવાની સત્તાને મર્યાદિત કરવાની કોશિશ કરવામાં આવી હતી.

પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું છે?

ત્રણ અમેરિકી સાંસદોએ રજૂ કરેલા પ્રસ્તાવમાં 27 ઓગસ્ટ, 2025એ ભારત પર લગાવવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફને રદ કરવાની માગ કરવામાં આવી છે. અગાઉ લાગુ કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના કારણે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ અનેક ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ વધીને 50 ટકા થઈ ગયો હતો.

નોર્થ કેરોલિનાનાં સાંસદ ડેબોરા રોસે જણાવ્યું હતું કે નોર્થ કેરોલિનાનું અર્થતંત્ર વેપાર, રોકાણ અને સક્રિય ભારતીય-અમેરિકન સમુદાયના માધ્યમથી ભારત સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેમણે કહ્યું હતું કે ભારતીય કંપનીઓએ રાજ્યમાં $ એક અબજથી વધુનું રોકાણ કર્યું છે, જેને કારણે હજારો નોકરીઓ સર્જાઈ છે. એ સાથે જ નોર્થ કેરોલિનાથી દર વર્ષે કરોડો ડોલરનો માલ ભારતને નિકાસ થાય છે.

અમેરિકી સાંસદ માર્ક વીસીનું પણ કહેવું છે કે ભારત એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે અને ગેરકાનૂની ટેરિફ પહેલેથી જ મોઘવારીથી પરેશાન નોર્થ ટેક્સાસના સામાન્ય લોકો માટે વધારાના ટેક્સ સમાન છે.

સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે કે આ ટેરિફથી અમેરિકાને જ મોટો ઝટકો લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ટેરિફને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, અમેરિકન કામદારોને નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકો માટે ખર્ચ વધી ગયો છે.