નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોને પકડી લેવામાં આવ્યા છે અને તેમને દેશની બહાર લઈ જવાયા છે. ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે અમેરિકી સેનાએ વેનેઝુએલા અને તેના નેતા વિરુદ્ધ “મોટા પાયે હુમલો” કર્યો હતો. સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકી કાયદા અમલ એજન્સીઓ સાથે મળીને ચલાવાયેલા આ ઓપરેશન દરમિયાન માદુરોનાં પત્નીને પણ પકડી લેવામાં આવ્યાં છે.આ પહેલાં અમેરિકા દ્વારા વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો. કારાકાસમાં એક પછી એક સાત જોરદાર વિસ્ફોટોની અવાજ સંભળાઈ હતી. વેનેઝુએલાએ અમેરિકા પર તેનાં અનેક રાજ્યોમાં નાગરિક અને સૈન્ય સ્થાપનો પર હુમલા કરવાનો આરોપ મૂક્યો છે.
કારાકાસમાં લગભગ 30 મિનિટ સુધી વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. આ દરમિયાન અનેક વિસ્તારોના લોકો રસ્તાઓ પર દોડી નીકળ્યા, જ્યારે અન્ય લોકોએ વિસ્ફોટોની અવાજો સાંભળ્યાની અને જોયાની માહિતી સોશિયલ મિડિયા પર શેર કરી. શુક્રવારે વેનેઝુએલાએ કહ્યું હતું કે તે ડ્રગ્સની તસ્કરી સામે લડવા માટે અમેરિકા સાથે કરાર અંગે ચર્ચા કરવા તૈયાર છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોએ અગાઉથી રેકોર્ડ કરાયેલા અને ગુરુવારે પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમેરિકા વેનેઝુએલામાં સરકાર બદલવા માટે દબાણ બનાવી રહ્યું છે અને તેના વિશાળ તેલ ભંડારો સુધી પહોંચ મેળવવા માગે છે. થોડા કલાકો પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને બંદી બનાવવાની માહિતી આપી. આ વચ્ચે વેનેઝુએલાની તરફથી માદુરો અને તેમની પત્ની જીવિત હોવાના પુરાવાની માગ કરવામાં આવી છે. વેનેઝુએલાની ઉપ-રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું કે માદુરો અને તેમનાં પત્નીનો કોઈ અતોપતો નથી. અમે તેમના જીવિત હોવાનો પુરાવા માગી રહ્યા છીએ.
અમેરિકા વેનેઝુએલા પર હુમલો કેમ કર્યો?
અમેરિકાએ ડ્રગ્સની તસ્કરીના આરોપોને આધારે વેનેઝુએલા પર હુમલા કર્યા છે. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ અગાઉ વેનેઝુએલાનાં જહાજોને નિશાન બનાવ્યાં હતાં અને કથિત રીતે ડ્રગ્સ લઈ જતી નૌકાઓ પર પણ હુમલા કર્યા હતા. ત્યાર બાદ શનિવારે અમેરિકાએ પહેલાં વેનેઝુએલાના સૈન્ય ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા હતા.


