ચંડીગઢઃ પંજાબ સરકારે મંગળવારે તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે. એ સાથે જ જણાવ્યું હતું કે પૂરથી અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયા છે અને 3.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યના ડેમોનાં જળાશયો હજુ પણ પૂરતા ભરેલા છે, જ્યારે નદીઓ ખતરાના નિશાન પર વહી રહી છે, જેને કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને CM ભગવંત માને અલગ-અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. માને નાવ દ્વારા ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. કટારિયાએ ફિરોઝપુર અને તરણતારનના ગંભીર રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.માને કેન્દ્ર પાસે પંજાબના 60,000 કરોડ રૂપિયાના બાકી ફંડને રિલીઝ કરવાની ફરીથી માગ કરતાં કહ્યું હતું કે તેઓ પૂરના સંદર્ભમાં રાજ્યના હકોની માંગ કરી રહ્યા છે, ભીખ નહિ. કટારિયાએ સ્થાનિક ખેડૂતોની જમીન પર કાયમી માલિકીના હકની માગને સમર્થન આપ્યું, જેથી તેમને પાક નુકસાનનું વળતર અને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો CMના ધ્યાનમાં લાવવામાં આવશે અને તેનો કાયમી ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે.
VIDEO | AAP MP Raghav Chadha (@raghav_chadha) allocates Rs 3.25 crore from MPLADS funds for flood-affected areas of Punjab.#PunjabFloods2025 #PunjabFloods
(Source: Third Party) pic.twitter.com/FTS8TVodky
— Press Trust of India (@PTI_News) September 3, 2025
કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.


