માયાવતીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર..

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. જેમાં એમણે દાવો કર્યો હતો કે સપાના વડાએ તેમનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.

લખનૌમાં એસપી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશે કહ્યું કે જે દિવસે બસપા સાથે ગઠબંધન તૂટ્યું એ દિવસે આઝમગઢમાં બંને પાર્ટીના લોકો જાહેર મંચ પર હતા, હું પણ ત્યાં હતો, કોઈને ખબર નહોતી કે ગઠબંધન તૂટ્યું. હું પોતે ફોન કરીને પૂછવા માંગતો હતો કે આવું શા માટે કરવામાં આવ્યું છે, કેટલીકવાર કોઈની વાત છુપાવવા માટે કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું હતું. એક બુકલેટમાં બસપા નેતા માયાવતીએ દાવો કર્યો છે કે અખિલેશ યાદવે એમનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. 2019ની ચૂંટણીમાં સપાને 5 અને બસપાને 10 બેઠકો મળી હતી.

પેટાચૂંટણીના સંદર્ભમાં અખિલેશે કહ્યું કે પીડીએ વ્યૂહરચના પર ભારત ગઠબંધન યુપીમાં તમામ 10 બેઠકો જીતશે. સવાલ સીટનો નથી, જીતનો છે. જયારે યુપીમાં થયેલા એન્કાઉન્ટરને લઈને અખિલેશે કહ્યું કે આ સરકારમાં ખોટા એન્કાઉન્ટરો થઈ રહ્યા છે. મંગેશ યાદવ કેસમાં પોલીસ એને રાત્રે જ ઉપાડી ગઈ હતી. ખોટી વાતો કહેવામાં આવી હતી. જે બેગ મળી એ નવી બેગ હતી,  એમાં કપડાં પણ નવા હતા. તેઓ મંગેશની માતા અને બહેનના આંસુ જોઈ શકતા નથી. સરકારે ચપ્પલમાં એન્કાઉન્ટર કર્યું. નોઈડામાં જ્યારે પ્રથમ એન્કાઉન્ટર થયું ત્યારે પણ અમે સવાલો ઉઠાવ્યા હતા. અત્યાર સુધીમાં થયેલી મોટાભાગની હત્યાઓ પીડીએ પરિવારના લોકોની છે. ભાજપે યુપીને નકલી એન્કાઉન્ટરની રાજધાની બનાવી દીધી છે.

અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં અયોધ્યામાં જમીનની ખરીદી અને વેચાણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એમણે કહ્યું કે ભાજપે અયોધ્યામાં સૌથી મોટી લૂંટ ચલાવી છે. અમે ઈચ્છીએ છીએ કે અયોધ્યાની આસપાસ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાનું નિર્માણ થાય, પરંતુ તેના માટે મગજની જરૂર છે. અમે અયોધ્યાના લોકોને ખાતરી આપીએ છીએ કે બે વર્ષમાં સરકાર બદલાશે ત્યારે અમે અયોધ્યાને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રા બનાવીશું. જો એના માટે સર્કલ રેટ વધારવો પડશે તો અમે એને વધારીશું.