દિલ્હી: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ મતદાનના આંકડાને તાત્કાલિક જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં ભારતના ચૂંટણી પંચને તમામ મતદાન મથકો પરથી ફોર્મ 17સી ભાગ-1ના સુવાચ્ય સ્કેનને તેની વેબસાઇટ પર જાહેર કરવા નિર્દેશ આપવાનો આદેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. 19 એપ્રિલ અને 26 એપ્રિલના ડેટામાં મતની ટકાવારીમાં 6 ટકાનો ફેરફાર આવ્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે.આથી ADRએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરી છે કે મતદાન થવાના 48 કલાકમાં મતદાન ટકાવારીનો સમગ્ર ડેટા જાહેર કરવાની કરવામાં આવે.અરજીમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સંપૂર્ણ મતદાન ડેટા વિના, સામાન્ય લોકો પરિણામોમાં જાહેર કરાયેલા મતની ગણતરી સાથે પડેલા મતોની સંખ્યાની તુલના કરી શકતા નથી. જ્યાં સુધી સચોટ આંકડા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ટકાવારીના આંકડા મતદારો માટે અર્થહીન છે. અરજીમાં ECIને 2024 લોકસભા ચૂંટણીમાં મતદાનના દરેક તબક્કા પછી ફોર્મ 17C ભાગ-1 માં નોંધાયેલા મતોની સંખ્યાના સંપૂર્ણ આંકડામાં ટેબ્યુલેટેડ મતદાન મથકવાર ડેટા પ્રદાન કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી છે.
વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, અરજી એ નક્કી કરવા માટે દાખલ કરાઈ છે કે ચૂંટણી અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય. 30 એપ્રિલ, 2024ના રોજ જાહેર કરાયેલા ડેટામાં પ્રારંભિક ડેટાની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે તેની ચોકસાઈ પર શંકા પેદા કરે છે. વિરોધ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ આ અંગે ચૂંટણી પંચને મળ્યું હતું અને તેમની સાથે એકાદ કલાક જેટલો સમય વિતાવ્યો હતો. સાથે જ પોતાની ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.