નર્મદા : એકતાનગર ખાતે આયોજિત ઐતિહાસિક 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સહભાગી થવા માટે ભારતીય સિનેમા જગતના અનેક દિગ્ગજ કલાકારો અને નિર્દેશકો ગુજરાતના આંગણે પધાર્યા છે. આ પ્રસંગે બોલિવૂડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યન અને રણદીપ હૂડાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ખાસ મુલાકાત લીધી હતી.
અભિનેતા કાર્તિક આર્યનને તેમની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે રણદીપ હૂડાને તેમની નિર્દેશિત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે ‘બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી બંને કલાકારોએ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાના દર્શન કરી તેમને ભાવાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન તેમણે એકતાનગરના નયનરમ્ય પરિસર અને વિશ્વકક્ષાના પ્રવાસન પ્રોજેક્ટ્સના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
કાર્તિક આર્યને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ઐતિહાસિક સ્થળે આવીને આ સન્માન સ્વીકારવું એ મારા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણ છે.”
દિલ્હીની બહાર પ્રથમ વખત યોજાયેલા આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને કારણે એકતાનગર ખાતે બોલિવૂડ અને દેશની વિવિધ ભાષાઓના ફિલ્મ જગતના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.




