ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ વિશે તમામ ક્રિકેટ પ્રેમીઓ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેમના ભાઈ બિલિ રૂટ પણ એક જાણીતા વ્યાવસાયિક ક્રિકેટર છે. જો રૂટની જેમ બિલિ રૂટને ક્યારેય ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી ન હતી, પરંતુ કાઉન્ટી અને સ્થાનિક ક્રિકેટમાં તેમણે પોતાની શ્રેષ્ઠ છાપ છોડી હતી. હવે, 11 વર્ષની લાંબી અને સફળ ક્રિકેટ કારકિર્દી બાદ બિલિ રૂટે વ્યાવસાયિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે ગ્લેમોર્ગન ટીમ તરફથી રમતા 15 September ના રોજ સરે સામે પોતાની અંતિમ મેચ રમી હતી, જેમાં તેમણે 22 રન બનાવ્યા હતા.

2015 માં કરી હતી કારકિર્દીની શરૂઆત
બિલિ રૂટે વર્ષ 2015 માં પ્રથમ શ્રેણી (First-Class) ક્રિકેટથી પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2017 માં તેમણે લિસ્ટ-A અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. સ્થાનિક સ્તરે ત્રણેય ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં, તેઓ ઇંગ્લેન્ડની નેશનલ ટીમના સિલેક્ટર્સને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા હતા. આ જ કારણે તેમને ક્યારેય ઇંગ્લેન્ડની જર્સી પહેરવાનો મોકો મળ્યો નહોતો.
બિલિ રૂટની ક્રિકેટ કારકિર્દીના આંકડા
બિલિ રૂટના ઓવરઓલ ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો, તેમણે કુલ 83 ફર્સ્ટ ક્લાસ, 60 લિસ્ટ-A અને 50 T20 મેચો રમી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ: ફર્સ્ટ ક્લાસ રમતમાં તેમણે 53.96 ના સ્ટ્રાઇક રેટથી કુલ 4107 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેમના નામે 17 અડધી સદી અને 7 સદી નોંધાયેલી છે, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 229 રન રહ્યો હતો.
લિસ્ટ-A ક્રિકેટ: તેમણે લિસ્ટ-A ની 60 મેચોમાં 89.66 ના સ્ટ્રાઇક રેટથી 1,665 રન ફટકાર્યા હતા. જેમાં તેમણે 9 અડધી સદી અને 3 શાનદાર સદી નોંધાવી હતી.
T20 ક્રિકેટ: T20 ફોર્મેટમાં તેમણે કુલ 634 રન બનાવ્યા હતા. જોકે, આ ટૂંકા ફોર્મેટમાં તેઓ એક પણ અડધી સદી કે સદી ફટકારી શક્યા ન હતા.
બેટિંગ ઉપરાંત બિલિ રૂટ ઉપયોગી પાર્ટ-ટાઇમ બોલર પણ હતા. તેમણે ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 14 વિકેટ પણ પોતાની ઝોળીમાં નાખી હતી. રાષ્ટ્રીય ટીમમાં તક ન મળવા છતાં, કાઉન્ટી ક્રિકેટ સર્કિટમાં તેમની રમતના હંમેશાં વખાણ થયા છે.

