ગુજરાતની આ શક્તિપીઠ વિશિષ્ટ છે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતા નજીક અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સ્થિત અંબાજી, જે ‘મોટા અંબાજી’ તરીકે પણ ઓળખાય છે, હિન્દુઓની આસ્થાનું પરમ કેન્દ્ર અને પ્રસિદ્ધ શક્તિપીઠ છે. અમદાવાદથી 180 કિમી અને આબુરોડ રેલવે જંકશનથી માત્ર 23 કિમી દૂર આવેલા આ ધામ સુધી પહોંચવા ત્રિશૂલ ઘાટમાંથી પસાર થતો નવો સુગમ માર્ગ નિર્માણ કરાયો છે.

જૂના મંદિરના સ્થાને બનેલા ભવ્ય નવા મંદિરમાં કોઈ પ્રતિમા નથી, પરંતુ ગોખને શણગારીને પૂજવામાં આવે છે. અહીં 30 ઑક્ટોબર 2023માં સૌથી મોટા યંત્રની સ્થાપના કરવામાં આવી છે. મંદિરનું વિશાળ પટાંગણ ‘ચાચરના ચોક’ તરીકે પ્રસિદ્ધ છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ (વાળ ઉતારવાની વિધિ) અહીં થયું હતું અને એમના પટરાણી રુક્મિણીજી પણ અંબામાતાના મોટા ભક્ત હતાં. ઈ.સ. 1545માં રાજા માલદેવ દ્વારા બનાવેલ સુંદર તળાવ  જે માનસરોવર તરીકે ઓળખાય છે.

અંબાજીથી 4 કિમી દૂર આવેલો ગબ્બરનો ડુંગર પણ આદ્યશક્તિનું મૂળ સ્થાન છે. નજીકમાં એક કિમી દૂર 11મી સદીમાં વિમળ શાહે બંધાવેલાં અદભુત શિલ્પકળા ધરાવતાં કુંભારિયાનાં જૈન મંદિરો અને સરસ્વતી નદીનું ઉત્પત્તિ સ્થાન ગૌમુખ દર્શનીય છે. આ ઉપરાંત, અહીં ખનીજ શોધખોળ માટેનું ભૂસ્તર વિભાગનું કાર્યક્ષેત્ર, વેધશાળા તેમજ વેદપાઠશાળા કાર્યરત છે, જ્યાં દર વર્ષે દેશભરના બ્રાહ્મણો વેદપઠન સ્પર્ધામાં ભાગ લે છે. આ પવિત્ર તીર્થ બારેમાસ યાત્રાળુઓથી જીવંત રહે છે. કારતકી પૂનમનો મેળો સ્થાનિક સ્તરે ઉત્સાહપૂર્વક ઉજવાય છે, જ્યારે ભાદરવી પૂનમે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો પદયાત્રા કરીને મા અંબાના દર્શને પહોંચે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)