અમદાવાદ: નીતિ આયોગના “SDG(Sustainable Development Goal) India Index 2023-2024” મુજબ શિક્ષણની બાબતમાં ૨૦૧૮માં જે ગુજરાત હાઈ પર્ફોમર રાજ્ય હતુ તે હવે પાછળ ધકેલાઈને ૨૦૨૩-૨૪માં પર્ફોમર રાજ્ય બન્યું છે. ગુજરાતમાં ધોરણ-૯ અને ૧૦માં ડ્રોપઆઉટ રેશિયો ૧૭.૯ % છે જ્યારે દેશમાં તે સરેરાશ ૧૨.૬ % છે. જ્યારે રાજ્યના ૨૪ % વિદ્યાર્થીઓ જ કોલેજ કક્ષાએ કે સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવે છે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયા આ સમગ્ર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે અને દિવસે કથળતી જાય છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અપાયેલ એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે ૧૮મા ક્રમે છે જે ગુજરાત મોડેલની પોલ ખોલે છે.”વધુમાં કોંગ્રેસ નેતાઓ આક્ષેપ લગાવ્યા કે, “ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સરકારને વ્યાપારીકરણ અને ખાનગીકરણમાં જ રસ છે જ્યારે શિક્ષણમાં સુધાર કરવામાં ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે. મૃદુને મક્કમ સરકારની શિક્ષણ ક્ષેત્રે મક્કમતા ક્યાં જતી રહે છે તે ખબર નથી પડતી. ગુજરાત મોડેલના નામે ગુલબાંગો પૌકારનારી ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તે આ અહેવાલ દર્શાવે છે.”