ગાંધીનગર: રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી શાળાઓમાં લાંબા સમય સુધી ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે સતત ગેરહાજર રહેતાં અને વિદેશ પ્રવાસે નીકળેલાં શિક્ષકો સામે સખત કાર્યવાહીની માંગ કરી. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે.વિરોધ પક્ષના આક્ષેપો સામે શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, ’60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે, એકે ય ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી.’
ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદીએ આક્ષેપ કર્યો હતો કે, દાંતામાં સતત ગેરહાજર રહેતાં શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવાયાં નથી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય-શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.
કાંતિ ખરાદીના આક્ષેપ સામે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે,’બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. જેમાંથી કોઈપણ શિક્ષકને પગાર ચૂકવાતો નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકોએ સામે ચાલીને રાજીનામું આપ્યુ છે.