બ્રસેલ્સઃ યુરોપના અનેક દેશોના એરપોર્ટ્સ પર મોટો સાઇબર હુમલો થયો છે. તેને કારણે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ, બ્રિટનની રાજધાની લંડનનો હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન જેવાં મુખ્ય યુરોપિયન એરપોર્ટ્સ પર શનિવારે સેકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. તેમાંની મોટા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી કે પછી મોડી પડી હતી. આ સાઇબર હુમલાએ ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ સંચાલિત કરનાર સેવા પ્રોવાઇડરને નિશાન બનાવી હતી.
સાયબર હુમલા પછી કમ્પ્યુટર સિસ્ટમ જામ
બ્રસેલ્સ એરપોર્ટએ પુષ્ટિ કરી કે શુક્રવાર રાત્રે થયેલા આ હુમલાને કારણે તેમની સ્વચાલિત સિસ્ટમ બંધ થઈ ગઈ, જેને કારણે ફક્ત મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ શક્ય બન્યું હતું. એરપોર્ટે જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરની રાત્રે અમારા સેવા પ્રોવાઇડર પર સાઇબર હુમલો થયો, જે ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ માટે જવાબદાર છે અને આ હુમલાએ અનેક યુરોપિયન એરપોર્ટ્સને અસર કરી છે, જેમાં બ્રસેલ્સ એરપોર્ટ પણ સામેલ છે.
સમસ્યા ઉકેલવા નિષ્ણાતો પ્રયત્નશીલ
એરપોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સેવા પ્રોવાઇડરો આ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ પોતાની એરલાઇન સાથે તપાસી લે.

સેવાઓ ક્યારે પુનઃસ્થાપિત થશે તે કહેવું મુશ્કેલ
બર્લિન એરપોર્ટે પણ ચેક-ઇન પર લાંબી રાહ જોવાની વાત કરતાં જણાવ્યું હતું કે આ સમસ્યા યુરોપના એક સિસ્ટમ પ્રોવાઇડરની ટેક્નિકલ ખામીને કારણે છે. તેમણે કહ્યું હતું કે સમસ્યાના જલદી ઉકેલ માટે ટીમ કામ કરી રહી છે. અધિકારીઓ અને એરલાઇન્સે સેવાઓ ક્યારે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થશે તેની કોઈ સમયમર્યાદા નથી આપી.


