નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 899 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. aતેમાંથી 537 ખેડૂતોને છ માસમાં પૂર અને તેને કારણે પાકને ભારે નુકસાન થતાં જીવ ગુમાવ્યો હતો, આ માહિતી સત્તાવાર આંકડાઓમાંથી પ્રાપ્ત થઈ છે.
કૃષિ રાજ્ય મંત્રી આશિષ જાયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે અને સમર્પિત યોજનાઓ અને પ્રોત્સાહનો પરનો ખર્ચ વધારીને એક લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. છત્રપતિ સંભાજીનગર વિભાગીય કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ મરાઠવાડામાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના દસ મહિનાઓમાં 899 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી છ મહિનાઓ (1 મેથી 31 ઓક્ટોબર વચ્ચે) દરમિયાન 537 ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી.
આ સમય દરમિયાન વરસાદ અને પૂરે ભારે કહેર વર્તાવ્યો હતો. બીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લાઓમાં ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કેસ નોંધાયા છે. જિલ્લાવાર જોવામાં આવે તો આ છ મહિનાઓમાં છત્રપતિ સંભાજીનગરમાં 112, જાલનામાં 32, પરભણીમાં 45, હિંગોળીમાં 33, નાંદેડમાં 90, બીડમાં 108, લાતુરમાં 47 અને ધારાશિવમાં 70 આત્મહત્યાના કેસ નોંધાયા હતા.
સરકાર દ્વારા વળતરની જાહેરાત
રાજ્ય સરકારે મરાઠવાડામાં અસરગ્રસ્ત ખેડૂતો માટે લગભગ 32,000 કરોડ રૂપિયાના વળતર પેકેજની જાહેરાત કરી છે. આ વિસ્તારમાં નાંદેડ, પરભણી, હિંગોળી, લાતુર, બીડ અને ધારાશિવ જિલ્લામાં પૂર અને ભારે વરસાદને કારણે (20 સપ્ટેમ્બર સુધીના રેકોર્ડ મુજબ) મોટી નુકસાની થઈ છે, જેમાં 12 વ્યક્તિઓનાં મોત, 1300 ઘરોને નુકસાન અને 357 પશુઓનાં મોત થયાં હતાં.

ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ રાજૂ શેટ્ટીએ આત્મહત્યા પર આઘાત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી આવેલા પૂર અને લાંબા ચાલેલા મોન્સૂનને કારણે બાગાયતી પાકો તથા અન્ય ખેતીને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે આ પરિસ્થિતિએ મરાઠવાડાના ખેડૂતોનો મનોબળ તોડી નાખ્યું છે.
શેટ્ટીએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને પાકના નુકસાન માટે બહુ ઓછું વળતર મળ્યું છે. તેમણે ઉદાહરણ આપ્યું કે એક કેળાના બગીચાવાળા ખેડૂતે વેપારી સાથે 25,000 રૂપિયા પ્રતિ ટનના ભાવે 100 ટન પાકનો સોદો કર્યો હતો, પરંતુ સીના નદીએ પૂર આવતાં તેનો આખો પાક નષ્ટ થયો છે. સરકારે તેને માત્ર 25,000 રૂપિયાનું જ વળતર આપ્યું હતું, આવા ઘણા કેસો છે.


