સર્વેમાં 83 ટકા લોકોને EVM પર વિશ્વાસઃ ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલા એક સર્વેમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર જનતાનો મજબૂત વિશ્વાસ હોવાનું સામે આવ્યું છે.આ સર્વે મુજબ 83 ટકાથી વધુ લોકોએ જણાવ્યું છે કે તેઓ EVMને વિશ્વસનીય માને છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તીખો પ્રહાર કર્યો છે, જે લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને EVMની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા આવ્યા છે.

સર્વેમાં શું સામે આવ્યું

‘લોકસભા ઇલેકશન 2024 – ઇવેલ્યુએશન ઓફ ઇન્ડલાઇન સર્વે ઓફ નોલેજ, એટિટ્યુડ એન્ડ પ્રેક્ટિસ ઓફ સિટિઝન્સ’ નામના આ સર્વેમાં 83.61 ટકા લોકોએ EVMને વિશ્વસનીય ગણાવી છે. જ્યારે 69.39 ટકા લોકોએ માન્યું કે EVM સાચાં પરિણામ આપે છે, અને 14.22 ટકા લોકોએ આ વાત સાથે સંપૂર્ણ રીતે સહમતી વ્યક્ત કરી છે.

5100 લોકોથી લેવાયો ફીડબેક

આ સર્વે કર્ણાટકના 102 વિધાનસભા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. તેમાં બેંગલુરુ, બેલગાવી, કલબુરગી અને મૈસુરુ પ્રશાસનિક ડિવિઝનના 5100 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વે કર્ણાટક સરકાર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી વી. અનુબકુમાર મારફતે કરાવવામાં આવ્યો હતો.

ભાજપનો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણીમાં કથિત EVM ગડબડી અને ‘વોટ ચોરી’ને લઈને BJP અને ચૂંટણી પંચ પર સતત આરોપો કરતા રહ્યા છે. સર્વે પર પ્રતિક્રિયા આપતા BJPના કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે X પર લખ્યું હતું કે વર્ષોથી રાહુલ ગાંધી દેશભરમાં કહેતા આવ્યા છે કે ભારતનું લોકતંત્ર જોખમમાં છે અને EVM વિશ્વસનીય નથી. પરંતુ આજે કર્ણાટકની જનતાએ સંપૂર્ણપણે અલગ કહાની કહી છે.

BJPએ કહ્યું કે આ રાજ્યવ્યાપી સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે લોકો ચૂંટણી પર વિશ્વાસ કરે છે, EVM પર વિશ્વાસ કરે છે અને ભારતની લોકશાહી પ્રક્રિયા પર પણ વિશ્વાસ ધરાવે છે. પાર્ટીએ તેને કોંગ્રેસ માટે ‘ચહેરા પર તમાચો’ ગણાવ્યો હતો.