પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ ભૂકંપના કારણે છેલ્લા એક મહિનામાં ઘણા દેશોએ પોતાના નાગરિકો ગુમાવ્યા છે ત્યાં આજે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવતાં લોકોના જીવ અધ્ધર થયા હતા. પાકિસ્તાનમાં આજે બપોરના સમયે 5.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ આવતાની સાથે જ લોકો ડરના માર્યા પોતાના ઘર છોડીને બહાર દોડી ગયા હતા. ઘણા વિસ્તારોમાં લોકો ચીસો પાડતા અને ખુલ્લા મેદાનો તરફ દોડતા જોવા મળ્યા. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના આંચકા કાશ્મીર ખીણમાં પણ અનુભવાયા હતા.

2જી એપ્રિલે પણ ધરતી ધ્રૂજી ઊઠી હતી. આ પહેલાં પાકિસ્તાનમાં બીજી એપ્રિલે ભૂકંપ આવ્યો હતો. આ સમય દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. ભૂકંપ પછી લોકો ખૂબ ડરી ગયા હતા, પરંતુ કોઈને પણ નુકસાન થયાના સમાચાર નથી. તાજેતરમાં જ દુનિયાએ મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી જોઈ હતી.

પાકિસ્તાનના સ્થાનિક મિડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ, રાવલપિંડી, અટક, ચકવાલ અને પંજાબ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પેશાવર, શબકદર, મર્દન જેવા વિસ્તારોમાં પણ ધરા ધ્રુજી હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાવલપિંડીથી 60 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં હતું.

આ પહેલાં ગયા મહિને જ 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યાનમારમાં ભૂકંપના કારણે થાઇલેન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું.