નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ જપ્ત કરવાની કાર્યવાહીમાંથી એકમાં, દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તાર સ્થિત એક ઘરમાંથી 329 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 262 કરોડ અંદાજવામાં આવી રહી છે. ડ્રગ્સની આ વિશાળ જપ્તી મામલે બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત માહિતીને આધારે ઓપરેશન
આ કાર્યવાહીનું નામ ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ રાખવામાં આવ્યું હતું. તેનો હેતુ સરહદોની બહારથી સંચાલિત એક સુવ્યવસ્થિત ડ્રગ્સ સિન્ડિકેટને તોડવાનો હતો. અધિકારીઓનું માનવું છે કે આ નેટવર્ક એક વિદેશી કિંગપિન સાથે જોડાયેલું છે, જે ગયા વર્ષે દિલ્હીમાં 83 કિલો કોકેન જપ્ત કરવામાં આવેલા કેસમાં પણ સામેલ હતું.
ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યવાહીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર “અભૂતપૂર્વ ગતિથી ડ્રગ કાર્ટેલને તોડી રહ્યું છે. તેમણે આ સંયુક્ત ઓપરેશનને નશામુક્ત ભારત માટે PM મોદીનું વિઝન પ્રાપ્ત કરવા બહુપક્ષી એજન્સીઓના અદ્ભુત સંકલનનું ઉદાહરણ ગણાવ્યું હતું.
ધરપકડ કરવામાં આવેલા સંદિગ્ધોમાં એક શેન વારિસ (25)- ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેવાસી છે. તેની 20 નવેમ્બરે નોઇડાના સેક્ટર પાંચ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. તે સેલ્સ મેનેજર તરીકે કાર્યરત હતો અને કહેવાય છે કે તે એક હેન્ડલરના આદેશો અનુસાર કામ કરતો હતો, જેમાં ફ્રોડ સિમ કાર્ડ અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન એપ્લિકેશનોનો ઉપયોગ કરવો સામેલ હતો. વારિસની પૂછપરછ બાદ NCB ટીમે નાગાલેન્ડ પોલીસની મદદથી એ જ દિવસે છતરપુર એન્કલેવ ફેઝ-2માં તેની મહિલા સાથીદારી એસ્થર કિનિમીના ઘરે દરોડો પાડ્યો. અધિકારીઓએ ત્યાંથી મેથામ્ફેટામાઇનનો વિશાળ જથ્થો જપ્ત કર્યો અને કિનિમીની પણ ધરપકડ કરી હતી.

પ્રાથમિક માહિતી દર્શાવે છે કે બન્ને એક મોટી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો ભાગ હતા, જેનું સંચાલન વિદેશી ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓ હવે કિંગપિનને પકડવા અને તેને ભારતમાં પ્રત્યર્પિત કરવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે.
દિલ્હી ડ્રગ્સ તસ્કરીનું મુખ્ય કેન્દ્ર
તપાસકર્તાઓ અનુસાર દિલ્હી ઘરેલુ વિતરણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સિન્થેટિક ડ્રગ્સની અવરજવર માટે એક મુખ્ય હબ તરીકે ઊભર્યું છે.




