મહાદેવ એપ સહિત 22 ઓનલાઈન સટ્ટાબાજીની એપ બ્લોક

મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે IT મંત્રાલયે રવિવારે મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે મહાદેવ બુક ઓનલાઈન અને અન્ય 21 સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. EDની ભલામણ બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘છત્તીસગઢ સરકારને કલમ 69A આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તેની તપાસ કરવામાં આવી રહી હોવા છતાં આ એપ અંગે આવી કોઈ અપીલ કરવામાં આવી નથી. ઇડી તરફથી પ્રથમ અને એકમાત્ર અપીલ આવી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી. છત્તીસગઢ સરકારને આવી જ વિનંતી કરતા કોઈએ રોકી ન હતી.

ભાજપે કોંગ્રેસ પર પ્રહારો તેજ કર્યા

જી તરફ મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા કૌભાંડને લઈને ભાજપે રવિવારે કોંગ્રેસ પર હુમલો તેજ કર્યો. ભાજપે રાહુલ ગાંધી તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આ કેસમાં નાણાંની લેવડ-દેવડમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં જે તથ્યો સામે આવ્યા છે તે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીની નવી પદ્ધતિઓ શોધવામાં કોંગ્રેસનો કોઈ મુકાબલો નથી. ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ શોધતી હોય કે તેના માટે નવા માપદંડો ગોઠવવાની હોય, કોંગ્રેસ પાર્ટી આજે તેનો જીવતો જાગતો પુરાવો છે કે તેની સાથે કોઈ બરોબરી કરી શકતું નથી. હવે તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

નિવેદનમાં ચોંકાવનારા આરોપો સામે આવ્યા

તમને જણાવી દઈએ કે EDએ શુક્રવારે દાવો કર્યો હતો કે ફોરેન્સિક વિશ્લેષણ અને કેશ કુરિયરના નિવેદનમાં ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને આ તપાસનો વિષય છે. એજન્સીએ કથિત એજન્ટ, 38 વર્ષીય અસીમ દાસ, રાયપુરમાં તેની પાસેથી 5.39 કરોડ રૂપિયાની રોકડ વસૂલ કર્યા પછી તેની ધરપકડ કરી હતી. તેમને એપના પ્રમોટર્સ વતી યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)થી ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસ પાર્ટી (છત્તીસગઢમાં)ના ચૂંટણી પ્રચાર ખર્ચ માટે મોટી માત્રામાં રોકડ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો.