રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ નવસારીમાં

અમદાવાદ: રાજ્યમાં થોડાંક દિવસોથી ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે મંગળવારે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા 13મી ઑગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે.

14મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત સાત દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 15મીથી 19મી ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની સંભાવના છે.