નવી દિલ્હી: વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય કમિટી (JPC)ની બેઠક દિલ્હીમાં યોજાઈ. જે સવારે 11 વાગ્યે શરુ થયા બાદ હોબાળો થયો હતો. વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારો પર રિસર્ચ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.આ બેઠક સંસદ ભવનના એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં યોજાઈ હતી. જેમાં JPCના સભ્યોએ મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમા, જમ્મુ અને કાશ્મીરના મૌલવી મીરવાઈઝ ઉમર ફારૂકના મંતવ્યો અથવા સૂચનો સાંભળ્યા. મીરવાઈઝને બોલાવતા પહેલા કમિટીના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વક્ફ સંશોધન બિલ પર રિપોર્ટને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવા પર ભાર આપી રહ્યું છે.
બોલાચાલી અને હોબાળાના કારણે બેઠકની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. આ પછી વિપક્ષના 10 સાંસદોને એક દિવસ માટે બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લખનઉમાં આયોજિત બેઠક બાદ પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે જે.પી.સી.ની છેલ્લી બેઠક 24 જાન્યુઆરીએ યોજાયા પછી 31 જાન્યુઆરીએ યોજાનારા બજેટ સત્ર દરમિયાન સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જગદંબિકા પાલે એમ પણ કહ્યું- છેલ્લા 6 મહિનામાં અમે દિલ્હીમાં 34 બેઠક કરી છે. જે.પી.સી.ની તમામ ચર્ચાઓ સારા વાતાવરણમાં થઈ છે. મને આશા છે કે લોકોને અમારા રિપોર્ટથી ફાયદો થશે.
વિપક્ષ તરફથી, લોકસભામાં ડી.એમ.કે.ના એ. રાજાએ 24 અને 25 જાન્યુઆરીની બેઠક સ્થગિત કરવાની માંગ કરી છે. જગદંબિકા પાલને લખેલા પત્રમાં રાજાએ કહ્યું, “એ કહેવાની જરૂર નથી કે પટના, કોલકાતા અને લખનઉની જે.પી.સી.ની મુલાકાતો 21 જાન્યુઆરીએ જ પૂર્ણ થઈ હતી. ગજબની વાત એ છે કે આગામી જે.પી.સી.ની બેઠકની તારીખોની જાહેરાત કર્યા વિના જ ઉતાવળમાં યોજાઈ હતી. જ્યારે જે.પી.સી. પહેલેથી જ પ્રવાસ પર હતી.”
